ઈ-કેવાયસી મુદ્દે પુરવઠા જોઈન્ટ ડાયરેક્ટર રાજકોટમાં
રેશનકાર્ડ ઈ-કેવાયસીની સાથે સાથે આધારકાર્ડ કીટની સ્થિતિની સમીક્ષા કરી
રાજકોટ શહેર-જિલ્લામાં ઈ-કેવાયસી મુદ્દે ધમાસાણ મચી છે અને નબળી કામગીરી ઝડપી બનાવવા જિલ્લા કલેકટર દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવતા જિલ્લાની સ્થિતિ સુધરી છે ત્યારે શનિવારે પુરવઠા વિભાગ ગાંધીનગરના જોઈન્ટ ડાયરેક્ટર રાજકોટની ઓચિંતી મુલાકાત લઇ ઈ-કેવાયસીની કામગીરીની સમીક્ષા કરવાની સાથે આધારકાર્ડ કીટની સ્થિતિ અંગે પણ રીવ્યુ લીધો હતો.
રાજકોટ જિલ્લામાં ખાસ કરીને રાજકોટ શહેરી વિસ્તારમાં ઈ-કેવાયસી માટે લોકો લાઈનો લગાવી રહ્યા હોય જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા તમામ ઝોનલ કચેરીઓની રૂબરૂ મુલાકાત લેવાની સાથે પોસ્ટ અને બેન્ક મારફતે ઈ-કેવાયસી શરૂ કરવા પગલાં ભરતા જ રાજકોટ જિલ્લાની ઈ-કેવાયસીની સ્થિતિમાં સુધારો આવ્યો છે ત્યારે શનિવારે ગાંધીનગર પુરવઠા વિભાગના જોઈન્ટ ડાયરેક્ટર ચેતન ગાંધી રાજકોટની મુલાકાતે આવ્યા હતા અને તમામ અધિકારીઓ સાથે ઈ-કેવાયસી અંગે સમીક્ષા કરવાની સાથે ઈ-કેવાયસીમાં આધારકાર્ડ અપડેશનનો મુદ્દો પણ નાગરિકોને મૂંઝવી રહ્યો હોય જિલ્લામાં આધારકાર્ડની કીટ અંગેની સ્થિતિની પણ સમીક્ષા કરી હતી.