રાજકોટ માર્કેટ યાર્ડની ચુંટણીમાં ચેરમેન પદે જયેશ બોઘરા રિપીટ
વાઇસ ચેરમેન તરીકે વિજય કોરાટ બિનહરીફ ચૂંટાયા: સહકારી ક્ષેત્રે ફરી એકવાર રાદડિયા જૂથનો દબદબો
સૌરાષ્ટ્રના મહત્વના એવા રાજકોટ માર્કેટ યાર્ડની આગામી અઢી વર્ષની ટર્મ માટે નવા સુકનીઓની યોજાયેલી ચુંટણીમાં ચેરમેન પદ પર ફરી એકવાર જયેશ બોઘરાને રિપીટ કરવામાં આવ્યા છે. તો વાઇસ ચેરમેન પદ પર વસંત ગઢીયાના સ્થાને ભાજપ કિસાન મોરચાના પ્રદેશ મંત્રી વિજય કોરાટની નિમણુંક કરવામાં આવી છે.
રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની પ્રથમ અઢી વર્ષની મુદ્દત પૂરી થતાં ચુંટણી કરવામાં આવી હતી. ચુંટણી જાહેર થતાં જ નવી અઢી વર્ષની ટર્મ માટેના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે ભાજપના નિરીક્ષકોએ સભ્યો અને સંગઠનના હોદ્દેદારોની સેન્સ લીધી હતી. બાદમાં પ્રદેશમાં રિપોર્ટ આપવામાં આવ્યો હતો. પ્રદેશ ભાજપમાંથી આવેલા બંધ કવરને શુક્રવારે માર્કેટિંગ યાર્ડની બોર્ડની મિટિંગમાં ખોલવામાં આવ્યું હતું. જેમાં યાર્ડના નવા ચેરમેન અને વાઇસ ચેરમેનના નામોની જાહેરાત કરવામાં આવી હતી.
જેમાં ચેરમેન તરીકે જયેશ બોઘરા અને વાઇસ ચેરમેન તરીકે વિજય કોરાટ બિનહરીફ ચૂંટાયા હતા. મહત્વનું છે કે, માર્કેટિંગ યાર્ડની બીજી ટર્મ માટેની ચુંટણીમાં ચેરમેન પદે જયેશ રાદડિયા જૂથના જયેશ બોઘરાને ઉતારવામાં આવ્યા હતા. તો વળી અરવિંદ રૈયાણી જુથ દ્વારા ચેરમેન તરીકે સહકારી આગેવાન પરસોતમ સાવલિયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. જો કે પહેલેથી જ જયેશ બોઘરાનું પલડું આ ચુંટણીમાં ભારે માનવામાં આવી રહ્યું હતું. જ્યારે તે પ્રમાણે જ પ્રદેશ ભાજપના મેન્ડેટ મુજબ ચેરમેન પદે જયેશ બોઘરાને રિપીટ કરવામાં આવ્યા હતા.
જયેશ બોઘરા અને વિજય કોરાટ બન્ને જયેશ રાદડિયા જૂથના હોય સહકારી ક્ષેત્રે જયેશ રાદડિયા જૂથનો દબદબો ફરી એકવાર જોવા મળ્યો હતો.
યાર્ડની ઉત્તરોતર પ્રગતિ, ખેડૂતોને મહત્તમ લાભ મળે તેને પ્રાધાન્ય આપીશ: બોઘરા
રાજકોટ માર્કેટિંગ યાર્ડની આગામી અઢી વર્ષની મુદ્દત માટેની ચુંટણીમાં યાર્ડના ચેરમેન તરીકે જયેશ બોઘરાને રિપીટ કરવામાં આવ્યા છે. વોઇસ ઓફ ડે સાથેની વાતચીતમાં યાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ કહ્યું હતું કે, આ અઢી વર્ષની મુદ્દતમાં ખેડૂતોને મહત્તમ લાભ મળે ઉપરાંત યાર્ડની ઉત્તરોતર પ્રગતિ થાય તેવા મારા પ્રયત્નો રહેશે. પ્રદેશ મોવડી મંડળે મારા પર વિશ્વાસ મૂક્યો છે અને ફરી એકવાર ચેરમેન પદની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે ખેડૂતોના પ્રશ્નોને પ્રાધાન્ય આપી તેનું નિવારણ લાવવાના પ્રયત્નો હું અને મારી ટીમ કરતાં રહીશું.