શિલ્પા,રાધિકા,લાડાણી અને ઓરબીટ ગ્રુપ સાથે વ્યવહારો કરનારાઓ પાસે IT એ “હિસાબ” માંગ્યો….!!
બે વર્ષ દરમિયાન જાણીતા જ્વેલર્સ અને બિલ્ડરને ત્યાં આવકવેરાએ દરોડા સમયે હાથ લાગેલાં દસ્તાવેજોમાંથી અનેક નામો બહાર આવતાં 148 સેક્શન હેઠળ 6 વર્ષનો હિસાબ માંગતા કરદાતાઓને પસીનો છૂટી ગયો
રાજકોટમાં બે વર્ષ દરમિયાન જાણીતા જ્વેલર્સ અને નામાંકિત બિલ્ડરોને ત્યાં આવકવેરા વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું તેમને ત્યાં હાથ લાગેલા દસ્તાવેજોમાંથી આ ગ્રુપ સાથે જેમને રોકડ વ્યવહાર કર્યા છે તેમને ત્યાં ઇન્કમટેક્સની નોટિસ આવી છે અને છ વર્ષના હિસાબો આઇટી વિભાગે 148 સેક્શન હેઠળ માંગતા ભરશિયાળે આ કરદાતાઓને પસીનો છૂટી ગયો છે.
વર્ષ 2023ના જુલાઈ મહિનામાં રાજકોટ ઇન્કમટેક્સની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા એક સાથે અનેક જ્વેલર્સ પર તવાઈ ઉતારી હતી. જેમાં શિલ્પા લાઈફ સ્ટાઈલ, રાધિકા જ્વેલર્સ, જે.પી.જવેલર્સ,સી.વી.એમ, જ્વેલર્સ ગ્રુપ ઉપરાંત તેની સાથે સંકળાયેલા બિલ્ડર વિમલ પાદરીયા, કેતન પટેલ, મિલન મહેતાને પણ ઝપટે લીધા હતા.
જ્વેલર્સ ગ્રુપ ઉપરાંત થોડા સમય અંતરે ઇન્કમટેક્સ વિભાગે ટોચના ગણાતા લાડાણી અને ઓરબીટ ગ્રુપ પર દરોડા પાડ્યા હતા. આ ગ્રુપના 40 માળના ઓરબીટ રોયલ ગાર્ડન અને ટ્વિન ટાવર સહિત અનેક પ્રોજેક્ટ ઝડપે ચડ્યા હતા આ ઉપરાંત તેમની સાથે 35 જેટલી જગ્યાઓ પર ઇન્કમટેક્સ વિભાગે તપાસ નો દોર લંબાવ્યો હતો જેમાં આ પ્રોજેક્ટમાં રોકાણ કરનાર ફાઇનાન્સરો અને તેના ભાગીદારોને ત્યાં પણ ઇન્કમટેક્સ વિભાગે કરોડો રૂપિયાની કરચોરી ઝડપી લીધી હતી.
આઈ.ટી.નાં સુત્રોનાં જણાવ્યાં અનુસાર,આ બે વર્ષ દરમિયાન આ ગ્રુપ અને તેની સાથે સંકળાયેલા લોકો સહિત 40 જેટલી જગ્યાએ ચાલેલી તપાસ દરમિયાન તેમના ચોપડામાંથી જેમના નામના વ્યવહારો ખુલ્યા છે તેમને આ નોટિસ આપવામાં આવી છે. ખાસ કરીને બિલ્ડરોને રો મટીરીયલ સપ્લાય કરનાર ધંધાર્થીઓ અને તેમને ત્યાંથી પ્રોપર્ટી ખરીદનાર લોકો અને ગોલ્ડ અને રિયલ ડાયમંડ જ્વેલરી જેમને લાખો રૂપિયાની ખરીદી છે તેમનું લિસ્ટ આવકવેરાએ કાઢી આ તમામને 148 સેક્શન હેઠળ હિસાબો માંગ્યા છે.
78 ટકા ટેક્સ ચૂકવવો પડી શકે:સી.એ.રાજીવ દોશી
રાજકોટમાં અનેક લોકોને વર્ષ 2023 અને 2024 માં પડેલા દરોડા બાદ જે ડેટા આઇટી ને હાથમાં લાગ્યો હતો તે તમામ ના હિસાબો હવે પૂછવામાં આવ્યા છે, જે લોકોએ આ તમામ ગ્રુપમાંથી કોઈ પણ સાથે નાણાકીય વ્યવહારો કર્યા છે તેને ત્યાં આવેલી નોટિસનો જવાબ પણ આપી શકે અથવા તો 20 ટકા રકમ ભરીને અપીલમાં પણ જોઈ શકે છે જોકે 148 કલમ હેઠળ જે કેસ રી ઓપન થયા છે, જેમાં ટેક્સ ચોરી ખુલશે તો 78 ટકા ટેક્સ અને પેનલ્ટી બંને ચૂકવવા પડે છે તેમ રાજકોટનાં જાણીતાં સી.એ. રાજીવ દોશીએ જણાવ્યું હતું.
માર્કેટિંગ યાર્ડના વેપારીઓ સામે પણ અધધધ.. આકારણી નીકળતાં નોટીસનો ઢગલો
હજુ પંદર દિવસ પૂર્વે જ રાજકોટ માર્કેટિંગ યાર્ડના વેપારીઓને 90 લાખ થી લઈને 4 કરોડ સુધીની ઇન્કમટેક્સ વિભાગે નોટિસ નીકળતાં હોબાળો મચી ગયો છે. હજુ તો આ નોટિસ ને લઈને ચાલી રહેલો મામલો થાળે નથી પડ્યો ત્યારે બિલ્ડરો અને ઝવેરીઓ સાથેના વ્યવહારો કરનાર દંડાયા હોવાથી આવકવેરા વિભાગની આડેધડ નોટિસ નીકળી હોવાથી ભારે કચવાટ ફેલાયો છે.