નળ-ગટર-લાઈટ-સફાઈની તકલીફ છે ? ૧૫૫૩૦૪ ઉપર કરો ફરિયાદ
૦૨૮૧-૨૪૫૦૦૭૭ અને ૧૮૦૦-૧૨૩-૧૯૭૩ નંબર હવે બે મહિના સુધી જ માન્ય રહેશે
સૌથી મહત્ત્વનો મુદ્દો, નંબર તો જાહેર કરી દેવાયા; ફોન ઉપડે અને ફરિયાદ ઉકેલાય તે જરૂરી
રાજકોટમાં દરરોજ સમયસર પાણી ન આવ્યું હોય, ગટર ઉભરાતી હોય, સફાઈ થઈ રહી ન હોય સહિતની ફરિયાદો હજારોની સંખ્યામાં નોંધાઈ રહી છે. અત્યાર સુધી આ ફરિયાદ અમીન માર્ગ પર આવેલા કોલ સેન્ટરના નં.૦૨૮૧-૨૪૫૦૦૭૭ અથવા તો ૧૮૦૦-૧૨૩-૧૯૭૩ ઉપર નોંધાતી હતી. જો કે હવે નંબરમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને હવેથી કોઈ પણ ફરિયાદ ૧૫૫૩૦૪ ઉપર નોંધાવી શકાશે તેવી જાહેરાત મહાપાલિકા દ્વારા કરવામાં આવી છે. બે મહિના સુધી બન્ને જૂના નંબર કાર્યરત રહેશે ત્યારપછી એક જ નંબર ઉપર ફરિયાદ કરી શકાશે.
વળી, આ નંબર ઉપર દેશના કોઈ પણ ખૂણેથી ફરિયાદ નોંધાવી શકાશે. જો કે તેના માટે કોડ ડાયલ કરવો પડશે. મહાપાલિકા દ્વારા અમીન માર્ગ પરનું કોલ સેન્ટર ૨૦૦૮થી શરૂ કરવામાં આવ્યું છે જેમાં વર્ષે ૩.૭૫ લાખ ફરિયાદ નોંધાઈ રહી છે.
અત્રે એ ઉલ્લેખ કરવો પણ જરૂરી બની જાય છે કે મહાપાલિકા દ્વારા નવા નંબર તો જાહેર કરી દેવામાં આવ્યા છે પરંતુ સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે આ નવા નંબર સમયસર ઉપડવા જરૂરી છે સાથે સાથે જો ફોન ઉપડી જાય અને ફરિયાદ નોંધાયા બાદ તેનો ઉકેલ આવે તે બાબત પણ જરૂરી બની જાય છે અન્યથા આ પ્રકારના નંબર માત્રને માત્ર શોભાના ગાંઠિયા જ બની રહેશે. આજની તારીખે અનેક એવી ફરિયાદો છે જે કોલ સેન્ટરમાં નોંધાવાઈ ગયા બાદ પણ તેનો ઉકેલ આવી રહ્યો નથી. આ ઉપરાંત ફોનનું રિસિવર સાઈડમાં મુકી દેવાની જે `કારીગરી’ ચાલી રહી છે તે પણ બંધ કરાવવી જોઈએ નહીંતર આ નંબરનો કોઈ જ મતલબ રહેશે નહીં.