રાજકોટ જિલ્લામાં રવિ પાક માટે સિંચાઇનું પાણી છોડાયું
ગોંડલી, કરમાળ, છાપરવાડી-1, ઈશ્વરીયા, કર્ણુંકી તેમજ ફોફળ-1માંથી કેનાલ દ્વારા પાણી છોડવામાં આવતા ખેડૂતોને મળશે લાભ
રાજકોટ જિલ્લામાં જેમ જેમ વાતાવરણમાં ઠંડીનું જોર વધી રહ્યું છે તેમ ખેડૂતો પણ શિયાળુ વાવેતર એટલે કે રવિ પાકની વાવણી કરી રહ્યા છે. ત્યારે રવિ પાકના વાવેતર માટે સિંચાઇ વિભાગ દ્વારા કેનાલ મારફતે માંગણી મુજબ પાણી છોડવામાં આવી રહ્યું છે.
રાજકોટ જિલ્લામાં રવિ પાકનું વાવેતર કરવામાં આવી રહ્યું છે ત્યારે રાજકોટ સિંચાઇ વર્તુળ કચેરી દ્વારા સિંચાઇ માટે પાણી છોડવામાં આવ્યું છે. સિંચાઇ વર્તુળ કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ રવિ પાક માટે ખેડૂતો દ્વારા સિંચાઇના પાણી માટે માંગ કરવામાં આવી હતી તેવા ખેડૂતોને કેનાલ મારફતે પાણી આપવામાં આવી રહ્યું છે. હાલ ગોંડલી, કરમાળ, છાપરવાડી-1, ઈશ્વરીયા, કર્ણુંકી તેમજ ફોફળ-1માંથી કેનાલ દ્વારા ખેડૂતોને સિંચાઇ માટે પાણી છોડવામાં આવી રહ્યું છે.
સિંચાઇ માટે પાણી છોડવામાં આવતા ગોંડલી હેઠળના 7 ગામના ખેડૂતો, કરમાળણ 4 ગામ, છાપરવાડી-1ના 5, ઈશ્વરીયાના 3, કર્ણુંકીના 4 જ્યારે ફોફળના 11 ગામના ખેડૂતોને સિંચાઇનો લાભ મળી રહ્યો છે.
