ઈસ્ત્રીના પૈસાએ યુવાનને છરીના ઘા ખવડાવ્યા !
નિલકંઠનગર મેઈન રોડ ઉપર ઈસ્ત્રી કરેલા કપડાંના પૈસા બાબતે હત્યાનો પ્રયાસ
રાજકોટમાં હવે નાની-નાની બાબતે છરી-તલવારથી હુમલો થવો સામાન્ય બની ગયો હોય તેવી રીતે દરરોજ કોઈને કોઈ વિસ્તારમાં બનાવો વધી રહ્યા છે. આવી જ વધુ એક ઘટના નિલકંઠનગર મેઈન રોડ ઉપર બનવા પામી છે જ્યાં ઈસ્ત્રી કરેલા કપડાંના પૈસા બાબતે યુવાન પર છરીથી જીવલેણ હુમલો થતાં તે અત્યારે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. પોલીસે હુમલાખોર ધોબી શખ્સ સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.
આ બનાવ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે સાધુ વાસવાણી રોડ ઉપર ગંગોત્રી ડેરીવાળી શેરીમાં આવેલા જનકપુરી ક્વાર્ટરમાં રહેતા અને જે.કે.ચોકમાં આવેલી કાપડની દુકાનમાં નોકરી કરતા શૈલેષ ઉમેદરાય ખીલોસીયા (ઉ.વ.46) ઉપર છરીથી હુમલો કરાયો હોવાની ફરિયાદ પત્ની લતાબેને નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આજે સવારે 10:30 વાગ્યા આસપાસ લતાબ્ોન અને તેમનો દીકરો તાસ્વીક માતાના ઘેર હતા ત્યારે પતિના શેઠ સાકેતભાઈનો ફોન આવ્યો હતો કે તેમના પતિ શૈલેષભાઈ ઉપર નિલકંઠનગર મેઈન રોડ ઉપર આવેલ વિશાલ જનરલ સ્ટોર્સ નામની દુકાન સામે પ્રવીણ ધોબીએ છરીનો ઘા મારી દીધો છે એટલા માટે તેમને 108 મારફતે સિવિલ હોસ્પિટલે ખસેડાયા છે.
દરમિયાન આ અંગે વધુમાં એવું જાણવા મળ્યું છે કે શૈલેષ ખીલોસીયાએ જયકોબા પાવર લોન્ડ્રીવાળા પ્રવીણ ધોબીને કપડાં ઈસ્ત્રી કરવા માટે આપ્યા હતા જે કપડાના પૈસાની લેતીદેતી બાબતે પ્રવીણ ધોબીએ બેફામ ગાળો ભાંડી તેમના ઉપર છરીથી હુમલો કરી નાસી છૂટ્યો છે. હાલ શૈલેષ ખીલોસીયાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી બાજુ ગાંધીગ્રામ-2 પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ પ્રવીણ ધોબી સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.
