અસલી-નકલી દસ્તાવેજના ખેલમાં રાજકોટના અનેક મોટા માથાઓની સંડોવણી
મવડીની કરોડોની કિંમતી સરકારી જમીન હડપ કરવાની કૌભાંડીયાઓની કારી ન ફાવી
જિલ્લા કલેકટર દ્વારા લાંબા સમયથી કરવામાં આવતી તપાસને અંતે કૌભાંડીઓનો ભાંડો ફૂટ્યો
રાજકોટ શહેરમાં કરોડો રૂપિયાની કિંમતી સરકારી ખરાબાની જમીન ઉપરાંત યુએલસી ફાજલ જમીનમાં પ્રોપર્ટીકાર્ડમાં તેમજ હક્કપત્રકે નોંધ કરાવી લેવાના કૌભાંડમાં રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ ઊંડાણપૂર્વકની તપાસના અંતે શહેરની અલગ 17 જમીનમાં અસલી દસ્તાવેજના નંબરને આધારે નકલી દસ્તાવેજ રેકર્ડમાં ચડાવી દેવાનો કારસો ખુલ્લો પાડયો છે ત્યારે સમગ્ર મામલે હજુ પણ અનેક મોટામાથાઓની સંડોવણી બહાર આવે તેવી શક્યતા જોવાઈ રહી છે.
રાજકોટ શહેર ઝોન -1 સબ રજિસ્ટ્રાર દ્વારા ગઈકાલે દસ્તાવેજમાં છેડછાડ કરવા મામલે નોંધાવેલ ફરિયાદ સંદર્ભે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, વર્ષ 1956માં નોંધાયેલ દસ્તાવેજની નકલ સાથે અરજદારોએ હક્કપત્રકે નોંધ કરાવવા માટે આવ્યા હતા અને જે તે સમયે આ દસ્તાવેજ મુજબ ગામ નમૂના નંબર-6માં રેવન્યુ રેકર્ડ ઉપર નોંધ કરાવવા કાર્યવાહી કરી હોય પરંતુ તલાટી કમ મંત્રી દ્વારા નોંધ પાડી આપવામાં ન આવતી હોવાનું કારણ રજૂ કરી ગામ દફ્તરે નોંધ પડાવવા આવતા આ બાબત શંકાસ્પદ જણાતા દસ્તાવેજ જ્યાં નોંધાયેલ તે સબ રજિસ્ટ્રાર કચેરીમાં જુના દસ્તાવેજની ખરાઈ કરવામાં આવતા સમગ્ર મામલો સામે આવ્યો હોવાનું જણાવ્યું હતું.
વધુમાં જિલ્લા કલેકટરે આવા જ એક કિસ્સા અંગે જણાવ્યું હતું કે, ગઈકાલે જે ફરિયાદ નોંધાવવામાં આવી છે તે કિસ્સામાં વર્ષ 1956 ના કેસમાં મવડી સર્વે નંબર 194 ની જમીનમાં અરજદાર મુમતાઝ ટાંક દ્વારા પોતાના પિતાએ જમીન વેચાણ રાખેલ હતી પરંતુ દસ્તાવેજ મુજબ એન્ટ્રી કરાવવાની રહી ગઈ હોવાનું જણાવી ગામ દફ્તરે નોંધ કરવા માટે કાર્યવાહી કરવા આવતા આટલા વર્ષો બાદ અરજદાર એન્ટ્રી માટે કેમ આવ્યા તે શંકાસ્પદ મુદ્દો હોય સબ રજિસ્ટ્રાર કચેરી મારફતે ખરાઈ કરવામાં આવતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. આ જ રીતે પશ્ચિમ મામલતદાર કચેરીમાં પણ આવા અનેક કિસ્સા સામે આવ્યા હોય તમામની ખરાઈ કરાવવામાં આવતા સરકારી જમીન હડપ કરવાનું કૌભાંડ સામે આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં જમીન કૌભાંડિયા તત્વો દ્વારા સરકારી અને કિંમતી જમીન હડપ કરવા તેમજ યુએલસી ફાજલ જમીન હડપ કરવા માટે વ્યવસ્થિત કૌભાંડ ચાલી રહ્યું છે ત્યારે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ આવા શંકાસ્પદ દસ્તાવેજોનું ક્રોસ વેરિફિકેશન કરાવતા જમીન કૌભાંડનો ભાંડો ફૂટ્યો છે ત્યારે આવનાર દિવસોમાં હજુ પણ અનેક જમીન કૌભાંડીયાઓના નામ બહાર આવે તેવી શક્યતા હોવાના સંકેતો મળી રહયા છે.