‘સાધુ વાસવાણી રોડ ગોલમાલ’ કરી ખડકાયેલા કોમ્પલેક્સની તપાસ શરૂ
ઠરાવ પ્રમાણે ૪૭ વારમાં જ કોમ્પલેક્સ ઉભું છું કે નહીં તેની માપણી કરવા ઉપરાંત કયા સંજોગોમાં આટલી જમીન ફાળવાઈ અને તેનું વેચાણ થયું તેની તપાસ કરાશે
સૌ.યુનિ. જમીન મામલે જેટલી ઝડપથી તપાસ કરાઈ તેટલી આ કોમ્પલેક્સ બાબતે ન થતાં અનેક તર્ક-વિતર્ક
સાધુ વાસવાણી રોડ ઉપર ગરીબ લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે આવાસ યોજના બનાવવામાં આવી છે. જો કે જ્યાં આ આવાસ યોજના બની છે તે પ્લોટમાં
કારીગરી’ કરીને તત્કાલિન ટીપીઓ અને હાલ જેલની હવા ખાઈ રહેલા મ.ડી.સાગઠિયાએ મળતિયાઓ સાથે મળીને ગેરકાયદેસર રીતે કોમર્શિયલ કોમ્પલેક્સ ખડકાવા દીધું હોવાનો ઘટસ્ફોટ વોઈસ ઓફ ડે' દ્વારા કરવામાં આવતાં આ
ગોલમાલયુક્ત’ કોમ્પલેક્સની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું અને દસેક દિવસમાં તે પૂર્ણ થઈ જનાર હોવાનું મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈએ જણાવ્યું હતું.
એક ખેડૂતની જમીન કે જે અન્ય વિસ્તારમાં આવેલી હોય ત્યાં ડિમોલિશનને કારણે કપાતમાં ગયેલી જમીન ઠરાવ કરીને ખેડૂતને સાધુ વાસવાણી રોડ પર આવાસ યોજના હેતુના પ્લોટ નં.૭૩૨માં ફાળવવામાં આવી હતી. આ જમીન ૪૭ વાર જેટલી છે. જો કે નિયમ પ્રમાણે આવાસ યોજના હેતુના પ્લોટમાંથી એક ઈંચ પણ જમીન કોમર્શિયલ કે અન્ય બાંધકામ માટે આપી શકાતી નથી આમ છતાં તે નિયમના વિરુદ્ધમાં જઈને ખેડૂતને અહીં જમીન આપી દેવાઈ હતી. આ પછી ખેડૂતે તે જમીનનું વેચાણ કરી દીધા બાદ ખરીદનારે તે જમીન ઉપર કોમ્પલેક્સ બનાવી દીધું હતું.
જો કે ૪૭ વારની જગ્યાએ ૧૫૦થી વધુ વાર જગ્યામાં ત્રણ માળનું કોમર્શિયલ કોમ્પલેક્સ બની ગયું હતું અને તેમાં મેડિકલ સ્ટોર, પીયુસીની દુકાન સહિતનો વ્યવસાય અત્યારે ચાલી રહ્યો છે. આ મામલો `વોઈસ ઓફ ડે’એ ઉજાગર કરતાં જ મ્યુનિ.કમિશનર દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. મનપા દ્વારા હવે ઠરાવ પ્રમાણે ૪૭ વાર જગ્યામાં જ આ કોમ્પલેક્સ ઉભેલું છે કે નહીં તેની ખરાઈ કરવા માટે જમીનની માપણી કરવામાં આવશે. આ ઉપરાંત શા માટે સાધુ વાસવાણી રોડ ઉપર જ જમીનની ફાળવણી કરવામાં આવી તે સહિતના મુદ્દા તપાસવામાં આવશે. આ બધી પ્રક્રિયા પાછળ દસેક દિવસનો સમય લાગી જનાર હોવાનું મ્યુનિ.કમિશનરે જણાવ્યું હતું.