સંઘર્ષથી સફળતા સુધી પહોંચેલા નાયબ ડીડીઓ ઇલાબેન ગોહિલનું પ્રેરક જીવન
૬૦ ટકા વિકલાંગતા છતાં સુપેરે જવાબદારી નિભાવી રહ્યા છે: અન્ય મહિલાઓને પરાવલંબી નહિ રહેવાની આપતા શીખ
અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ પંક્તિને સાર્થક કરી છે રાજકોટ જિલ્લા પંચાયતમાં ડેપ્યુટી ડીડીઓ તરીકે ફરજ બજાવતા ઇલાબેન ગોહિલે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મહિલાઓના સંઘર્ષ અને તેમની સિધ્ધિઓની વાત કરવામાં આવતી હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જન્મેલા ઇલાબેન ગોહિલ ૬૦ ટકા વિકલાંગ છે તેમ છતાં આજે જીએએસ જેવી કઠિન પરીક્ષા પાસ કરીને રાજકોટમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૮ માર્ચે મહિલા દિવસ ઉજવવામાં આવે છે. જેમાં મહિલાઓની સામાજિક આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય સિદ્ધીઓની ઉજવણી કરવામાં આવતી હોય છે. એમને સન્માનિત કરીને પ્રોત્સાહિત કરવામાં આવે છે. જેથી અન્યને પણ પ્રેરણા મળે.
રાજકોટમાં નાયબ ડીડીઓ તરીકે ફરજ બજાવતા ઇલાબેન ગોહિલની સંઘર્ષની કહાની અન્ય મહિલાઓ માટે પ્રેરણા સમાન છે. સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ગામે સામાન્ય પરિવારમાં જન્મેલા ઇલાબહેન વિકલાંગ હોવા છતાં શારીરિક પડકારોને શક્તિમાં તબદીલ કરી છે. વોઇસ ઓફ ડે સાથેની વાતચીતમાં ઇલાબહેને કહ્યું હતું કે, માત્ર દોઢ વર્ષની ઉંમરમાં તાવ આવ્યા બાદ પોલિયોની અસર થઈ હતી. બંને પગમાં અસર થતાં હાલ તેઓની વ્હીલચેરની મદદ લેવી પડે છે.

શરૂઆતમાં થોડી તકલીફ પડી પરંતુ મજબૂત મનોબળ અને કોઇની પર નિર્ભર રહેવાને બદલે જાતે જ કામ કરી પરિવારને પણ મદદરૂપ થવાનું વિચાર્યું. ઇલાબહેને બીએસસીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી કરી. અમદાવાદમાં રિક્ષા અને બસમાં મુસાફરી કરીને તેમજ ૮ થી ૧૦ કલાક સતત વાંચન કરી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી.

આ દરમિયાન અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો પરંતુ હિમત ન હારી. સૌ પ્રથમ તલાટીની પરીક્ષા આપી વર્ષ ૧૯૯૭માં તલાટી બન્યા. બાદમાં ચીફ ઓફિસર, ગ્રામ વિકાસ કમિશ્નર કચેરીમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે. આ દરમિયાન તેઓએ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (ૠઙજઈ)ની પરીક્ષાની પણ તૈયારી ચાલુ રાખી હતી.
વર્ષ ૨૦૧૫માં જીપીએસસી પાસ કરી તાલુકા વિકાસ અધિકારી તરીકે પણ ફરજ બજાવી. જ્યારે ૠઅજમાં પ્રમોશન સાથે ગીર-સોમનાથ જિલ્લામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે જવાબદારી મળી.
ગીર-સોમનાથ જિલ્લા બાદ એમણે મોરબી જિલ્લામાં પણ ફરજ બજાવી હતી અને હાલ સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ જેવા મોટા જિલ્લામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. મહત્વનું છે કે, ૬૦ ટકા વિકલાંગ હોવા છતાં આજે તમામ સંઘર્ષોનો સામનો કરીને તેઓ મોટા પદ પર જવાબદારી નિભાવી રહ્યા છે.
અન્ય મહિલાઓ અને યુવતીઓને નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ સંદેશ આપતા કહ્યું કે, આજે મહિલાઓ પુરુષ સમોડવી બની છે. સરકારી નોકરીઓમાં પણ અનામતનો લાભ આપવામાં આવી રહ્યો છે. જ્યારે પોતાની સ્કિલથી પણ મહિલાઓ આગળ વધી રહી છે ત્યારે કોઈ મહિલાએ પોતે નબળી છે તેવું ન સમજવું જોઈએ. હંમેશા કોઈના પર નિર્ભર રહેવાને બદલે જાતે આગળ આવવું જોઈએ.