ફિલ્મ રેઇડની જેમ ઇન્કમટેક્સને ભાવનગરમાંથી “ભેદી રૂમ” મળ્યો
મંગળવારથી શરૂ થયેલા દરોડા દરમિયાન ધોળકિયા ગ્રુપના બંગલામાં વુડન ઇન્ટિરિયર પર નજર જતાં અધિકારીને શંકાસ્પદ લાગતાં ટકોરા માર્યા ને સિક્રેટ રૂમ બહાર આવ્યો:ચાવી દુબઈ ભૂલી જતાં દરવાજો ખોલવા હિલચાલ,કરચોરીનો ખજાનો ખુલે તેવી સંભાવના
ગત મંગળવારથી આવકવેરા વિભાગ દ્વારા ભાવનગર, અમદાવાદ અને નડિયાદમાં દરોડાની કામગીરી ચાલી રહી છે. ભાવનગર ખાતે બિલ્ડરો, ફાઇનાન્સરો, જ્વેલર્સ અને તમાકુના ધંધાર્થીઓને ત્યાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલી તપાસ દરમિયાન ધોળકિયા ગ્રુપના બંગલામાંથી એક ભેદી રૂમ મળી આવ્યો છે. જેમાં આઇટીના અધિકારીઓએ તપાસ શરૂ કરી બિનહિસાબી વ્યવહારોનો આંકડો મેળવવા પ્રયાસો કર્યા છે.
આ અંગેની અધિકારીઓમાંથી મળતી વિગત મુજબ ઇસ્કોન સૌંદર્યમાં આવેલા બંગલામાં ગત મોડી રાત્રે એક દિવાલ પર વુડન ડેકોરેશન કરવામાં આવ્યું હતું. અધિકારીઓને જેના પર નજર જતા આ દિવાલ પર ટકોરા મારતા પાછળથી બોદો અવાજ આવતા એક સિક્રેટ રૂમનો દરવાજો મળી આવ્યો હતો.
આ દરવાજો લોક હોવાથી અધિકારીઓએ ચાવી માંગતા રણછોડદાસ ધોળકિયા પાસે તેની ચાવી હાલમાં ન હોવાનું અને દુબઈ ભૂલી ગયા હોવાનું જણાવતા આ ગેટને ખોલવા માટે બહારથી લોકોને બોલાવવામાં આવ્યા છે. આ સિક્રેટ રૂમ ખોલ્યા બાદ આવકવેરા વિભાગના હાથે કરચોરી નો ખજાનો લાગે તેવી શક્યતા સેવાય રહી છે.
કુલ 46 જગ્યા પર દરોડા દરમિયાન મોબાઇલ, લેપટોપમાં સિક્રેટ ડેટા ડીલીટ કરી નાખવામાં આવ્યો હોવાની વાત આવકવેરા વિભાગને ધ્યાનમાં આવતા ડેટા રિકવર કરવા માટે આઇટીના તજજ્ઞોને બોલાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. હજુ પણ અનેક જગ્યાએ તપાસ નો દોર યથાવત રહ્યો છે.