રાંદરડા તળાવની કાયાપલટ કરવામાં તંત્રના પગે પાણી ઉતરી જશે !
૪૦૦થી ૫૦૦ દબાણગ્રસ્ત મકાનોનું ડિમોલિશન કરવાનો પડકાર: આવતાં સપ્તાહથી દબાણોનો સર્વે શરૂ કરાશે
તળાવને ડેવલપ કરવા પાછળ સિમેન્ટ કોંક્રિટનો ખડકલો નહીં કરવાની મનપાની સરકારને બાહેંધરી
રાજકોટમાં આમ તો અનેક પ્રોજેક્ટ વર્ષોથી ધૂળ ખાઈ રહ્યા છે અને તે ક્યારે શરૂ થશે તેની કલ્પના અત્યારે કરવાની સ્થિતિમાં કોઈ જ રહ્યું નથી. આવો જ એક પ્રોજેક્ટ રાંદરડા તળાવની કાયાપલટ કરવાનો છે જેની ફાઈલ ઉપરથી માંડ માંડ ધૂળ ખંખેરાઈ છે ! નૂતન વર્ષના પ્રારંભે મહાપાલિકા દ્વારા આ પ્રોજેક્ટને વાસ્તવિક રીતે સાકાર કરવાની દિશામાં આગેકૂચ કરવામાં આવી છે પરંતુ આ પ્રોજેક્ટ સાકાર કરવામાં તંત્રના પગે પાણી ઉતરી જવાની શક્યતા પણ પૂરેપૂરી રહેલી છે.
મ્યુનિ.કમિશનર ડી.પી.દેસાઈના જણાવ્યા પ્રમાણે મહાપાલિકાની પ્રાથમિક્તામાં રાંદરડા તળાવની કાયાપલટ ઉપરાંત આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ છે. સૌથી પહેલાં રાંદરડા તળાવને ડેવલપ કરવા માટેનું કામ હાથ પર લેવામાં આવશે અને આવતાં સપ્તાહથી દબાણોનો સર્વે કરવામાં આવશે. અંદાજ પ્રમાણે અત્યારે ૪૦૦થી ૫૦૦ દબાણો અહીં આવેલા છે જેને હટાવવામાં આવશે.
આ ઉપરાંત સરકારને મહાપાલિકા દ્વારા લેખિત બાહેંધરી પણ આપવામાં આવી છે કે તળાવને ડેવલપ કરવા પાછળ સિમેન્ટ કોંક્રિટનો ખડકલો કરવામાં આવશે નહીં અને એકદમ કુદરતી રીતે જ તળાવની કાયાપલટ કરાશે.