એસ.એન.કે સ્કૂલનાં વિવાદમાં આખરે હેરાન કરતી 3 વિધાર્થીનીઓની બસને બદલાવી દેવાઈ
વિદ્યાર્થી સંગઠનના વિરોધ અને ડી.ઇ.ઓ.કમિટીની તપાસ દરમિયાન વિવાદ બાદ સ્કૂલ મેનેજમેન્ટએ લાવ્યું સમાધાન: બંને છાત્રાના પેરેન્ટ્સ સાથે મિટિંગ કરી,હવે આવી ઘટના નહિ બને તેવી ખાતરી આપી
છેલ્લા ત્રણ દિવસથી રાજકોટની પ્રતિષ્ઠિત એસ.એન.કે.માં સ્કૂલમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે સ્કૂલ દ્વારા સિનિયર અને જુનિયર વિદ્યાર્થીનીઓના પેરેન્ટ્સ સાથે બે દિવસથી રૂબરૂ મીટીંગ કરી હેરાન કરનાર વિદ્યાર્થીનીઓની બસ બદલાવી ભવિષ્યમાં આવી ભૂલો ન થાય તે માટે તાકીદ કરી દેવાઈ છે.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને એન.એસ.યુ.આઈ.ના આ ઘટનામાં વિરોધ વચ્ચે આ બાબતમાં સમાધાન થઈ ગયા નો વિડીયો અને ઓફિસિયલ લેટર સ્કૂલ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. ત્રણ દિવસ પહેલા રાજકોટની એસએનકે સ્કૂલમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ પ્રવેશ મેળવી અભ્યાસ કરતી ધોરણ છ ની વિદ્યાર્થીનીને બે મહિનાથી તેની સાથે બસમાં રહેલી ત્રણ સિનિયર વિદ્યાર્થીનીઓ દ્વારા હેરાન કરી માર મારવામાં આવતો હોય આખી બસમાંથી બધાને જ આ રીતે આ ત્રણ સિનિયર વિદ્યાર્થીનીઓ દ્વારા પજવણી કરવામાં આવતી હોવાની ફરિયાદ ઊભી થતા આખો મામલો ગરમાયો હતો.
આ ઘટનાને ગંભીરતાથી લઈને રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીએ એક કમિટીની તપાસ માટે રચના કરી હતી આ દરમિયાન બંને વિદ્યાર્થીનીઓના માતા પિતા સાથે શાળા સંચાલકોએ મિટિંગ કરી હતી. આ અંગે છાત્રાના પિતા તોફિન ભાઈએ જણાવ્યું હતું કે, આ સિનિયર છાત્રાઓ બસમાં બધી જ વિદ્યાર્થીનીઓને હેરાન કરતી હતી, જેમાંથી મારી દીકરીએ અવાજ ઉઠાવ્યો છે, ત્રણ દિવસથી સમગ્ર મામલો ગરમાયો હતો અને હવે અલગ દિશા પકડી રહ્યો હતો. આજે શાળા સંચાલકોની વાતને માન્ય રાખી બે દિવસથી અમે સ્કૂલ મેનેજમેન્ટ ની ટીમ સાથે મીટીંગ કરી હતી જેમાં સ્કૂલના સંચાલક કિરણભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા.
હવેથી આ સિનિયર વિદ્યાર્થીનીઓ દ્વારા હેરાનગતિ કરવામાં નહીં આવે અને ત્રણેય વિદ્યાર્થીનીઓની બસ ને બદલી દેવામાં આવી છે તેવી અમને ખાત્રી આપ્યા બાદ અમારી દીકરી સાથેની સમસ્યાનું નિરાકરણ આવી ગયું છે.
ફોટો છે….
બોક્સ…..આર.ટી.ઇ હેઠળ પ્રવેશ મેળવેલા છાત્રો સાથે ભેદભાવભર્યું વર્તન:એન.એસ.યુ.આઈ.નું વિરોધ પ્રદર્શન
એસએનકે સ્કૂલના વિવાદને લઈને એન એસ યુ આઈનાં કાર્યકર્તાઓએ પણ વિરોધ દાખવીને હંગામો મચાવ્યો હતો, બુધવારે એસ.એન.કે.સ્કૂલને ઘેરાવ કરતા એન.એસ.યુ.આઈ.ના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિત 15 થી વધારે કાર્યકર્તાઓની પોલીસ દ્વારા ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી. નરેન્દ્ર સોલંકી જણાવ્યું હતું કે, અગાઉ પણ અમારા સામે રજૂઆતો આવી હતી કે જેમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ જે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હોય છે તેમની સાથે આ સ્કૂલ દ્વારા ભેદભાવ રાખવામાં આવે છે અને તેમને અલગ ક્લાસ અને અલગ બસમાં બેસાડવામાં આવે છે સામાન્ય વિદ્યાર્થીઓ કરતા અલગ રીતે તેમની સાથે વર્તન કરવામાં આવતું હોવાથી તેમના માનસ પર વિપરીત અસર થાય છે. ધોરણ છ ની છાત્રા સાથે થયેલી હેરાનગતિ અને સ્કૂલ દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન એક્ટના વિદ્યાર્થીઓ સાથે થયેલા ભેદભાવના વિરોધમાં એન.એસ.યુ.આઈ.એ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જો આગામી દિવસોમાં કુલ સ્કૂલ દ્વારા તાત્કાલિક અસરથી પગલા લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે.