રાજકોટની ઘટનામાં ક્યાંક, કોઈક ભૂલ જરૂર થઇ છે : મુખ્યમંત્રી
અધિકારી હોય કે પદાધિકારી, કોઈએ માણસની જિંદગી સાથે ખિલવાડ ન કરવો જોઈએ
રાજકોટના અગ્નિકાંડ મુદે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ફરી એક વખત વ્યથા વ્યક્ત કરી છે. તેમણે મહાનગર પાલિકાઓના એક ચેક વિતરણ કાર્યક્રમમાં કહ્યું કે રાજકોટ ઘટના બાદ એવુ લાગ્યું કે આપણાથી ક્યાંકને ક્યાંક કોઇ ભૂલ થઇ ગઇ છે.
રાજકોટ અગ્નિકાંડની ઘટના મુદ્દે જાહેર કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને ટકોર કરી હતી. સીએમ એ આ અંગે કહ્યું કે રાજકોટની ઘટના બાદ વિચારવું પડે કે ક્યાં ભૂલ થાય છે. માણસનો જીવ મહત્વનો છે ત્યારે “જીવ બચાવવા કોઇ જ પ્રકારનું કોઇપણ પક્ષે પછી ભલે તે અધિકારી હોય કે પદાધિકારી સમાધાન ન થવું જોઇએ”
ભુપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે વિકાસ પાછળ દોટ મૂકીએ એ બરાબર છે પણ એ વિકાસ જેના માટે થઇ રહ્યો છે એનું જ ધ્યાન નહિ રાખવામાં આવે તો કોઈ મતલબ નથી.
ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓની ટકોર કરતા કહ્યું વિકાસના કામોની સમીક્ષા સપ્તાહમાં 2 વાર થવી જોઈએ. જ્યાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યુ છે ત્યાં સરકારી ઓફીસમાં પાનની પિંચકારી મારવામાં આવે છે. મીડિયા આવતા અહેવાલો પર ધ્યાન માં લેવા જોઈએ અને ગેરકાયદેસર કામ ને શરૂઆતમાં જ રોકી લેવુ જરુરી છે. આ સાથે નાની નાની ફરિયાદોના નિવારણ થવા જરૂરી છે. પ્રજા જ વીડિયો બનાવીને મોકલે છે એની પર ધ્યાન આપવું જરૂરી છે.
આ સાથે ભૂપેન્દ્ર પટેલે નગર પાલિકાને પણ ટકોર કરી હતી તેમણે નગર પાલિકાને કહ્યું ગ્રાન્ટ ફાળવી દીધા પછી પણ પૈસા વાપરી શકતી નથી, એનો શુ મતલબ? નપા કામગીરી નથી કરી શકતી એ સારું કામ કરશે તો હક ના પૈસા મંજુર કરાવી દઈશું