રાજકોટમાં બફારા વચ્ચે તાપમાન 40.5 ડિગ્રી નોંધાયું
બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બફારાએ લોકોને અકળાવ્યા: સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 43 ડિગ્રી તાપમાન
રાજકોટ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં રવિવારે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જેના કારણે મહતમ તાપમાનનો પારો નીચે ઉતર્યો છે, જો કે બપોરના સમયે બફારાને કારણે લોકો અકળાઈ ઉઠયા હતા. રાજકોટમાં મહતમ તાપમાનનો પારો 40.5 ડિગ્રી રહ્યો હતો. જ્યારે રાજ્યમાં સૌથી વધારે તાપમાન સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી રહેવા પામ્યું હતું.
રાજકોટમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને વાદળછાયું વાતાવરણ રહ્યા કરે છે. જેના કારણે મહતમ તાપમાનમાં ફેરફાર નોંધાય છે. રવિવારે રાજકોટમાં તાપમાનનો પારો 40.5 ડિગ્રી રહ્યો હતો પરંતુ બફારાને કારણે લોકો પરેશાન થયા હતા. બીજી તરફ રાજ્યના અનેક જિલ્લાઓમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. જ્યારે કેટલાક સ્થળોએ હજુ પણ અસહ્ય ગરમી પડી રહી છે. સુરેન્દ્રનગર રવિવારે 43 ડિગ્રી સાથે સૌથી વધારે ગરમ શહેર રહ્યું હતું.
આ ઉપરાંત અમદાવાદમાં 42 ડિગ્રી, ગાંધીનગરમાં 41.5 ડિગ્રી, રાજકોટમાં 40.5 ડિગ્રી, અમરેલીમાં 40.2 ડિગ્રી, ભાવનગરમાં 37.5 ડિગ્રી, વડોદરામાં 39.4 ડિગ્રી, ભુજમાં 38.8 ડિગ્રી, દાહોદમાં 39.3 ડિગ્રી, કંડલામાં 38.4 અને પોરબંદરમાં 35.4 ડિગ્રી તાપમાન રહ્યું હતું.
