બસ, દો મિનિટ…રાજકોટમાં એક-બે નહીં ૧૫ જાતની મેગી ખવાય છે !
એક સમય હતો જ્યારે મેગી માત્ર મસાલા’ને પાણીમાં જ તૈયાર થતી, હવે તેમાં પણ આવી ગયું વેરિયેશન…
નાના બાળકથી લઈ મોટેરા સુધીનાને સવારે આપો તો પણ ચાલે’ને મધરાત્રે આપો તો પણ દોડે તેવી એક એકથી હટ કે મેગીડિશ' ઉપલબ્ધ
૭૦ રૂપિયાથી લઈ ૨૫૦ રૂપિયા ખર્ચીને પણ
ચટાકો’ માણી રહ્યા છે સ્વાદશોખીનો
૧૨ વર્ષમાં મેગીની તો એવી ક્રાંતિ' આવી કે ખૂણે-ખૂણે આઉટલેટ શરૂ થવા લાગ્યા
ચાની ટપરીથી લઈ ફાઈવ સ્ટાર હોટેલમાં અત્યારે મેગી માંગો ત્યારે હોય છે હાજર
મેગી...આ એવો શબ્દ અને વાનગી છે જે સાંભળીયે એટલે એક વખત તો પેટ ભરીને તેને ખાઈ લેવાની તાલાવેલી જાગે...જાગે અને જાગે જ...! ભલે આ વાનગી
આપણી’ નથી પરંતુ પારકા'ને
પોતાના’ના બનાવી લેવાની ગુજરાતીઓમાં અનેરી કળા રહેલી છે એટલા માટે જ વર્ષોથી મેગીને આપણે પોતીકી બનાવી લીધી છે. રાજકોટનું એક પણ ઘર એવું નહીં હોય કે જ્યાં પરિવારની કોઈને કોઈ વ્યક્તિને મેગી પસંદ ન હોય…આ જ કારણથી રાજકોટમાં મેગીનો `જમાનો’ આવી ગયો છે અને એક-એકથી ચડિયાતા વેરિયેશન સાથે મેગીડિશ ઉપલબ્ધ છે.
એક સમય હતો જ્યારે મમ્મી કે બહેન તપેલી અથવા તો બાઉલમાં પાણી ગરમ કરી તેમાં પાંચ કે દસ રૂપિયાનું મેગીનું પેકેટ ઠાલવી દેતા અને પછી તેના ઉપર મેગી મસાલો છાંટીને ત્રણેક મિનિટમાં મેગી બનાવી લેતા હતા. જો કે હવે તેમાં ધરમૂળથી ફેરફાર થઈ ગયો છે અને ઘર-ઘરમાં વેરિયેશનવાળી મેગી તૈયાર થવા લાગી છે સાથે સાથે મેગીના આઉટલેટ પણ ઢગલામોઢે શરૂ થઈ રહ્યા છે. મેગી એક એવી વાનગી છે જે નાના બાળકથી લઈ મોટેરા સુધીનાને સવારે આપો તો પણ ચાલે અને મધરાત્રે પીરસો તો તો દોડે તેવી એક એકથી હટકે ડિશ મળી રહી છે.
આમ તો મેગી છેલ્લા ઘણા વર્ષોથી ખવાઈ રહી છે પરંતુ છેલ્લા ૧૨ વર્ષની અંદર આ વાનગીએ એવી ક્રાંતિ લાવી દીધી છે કે અત્યારે ૫૦થી વધુ સ્થળે અલગ-અલગ પ્રકારની મેગી મળી રહી છે અને ટોળાંરૂપે લોકો ત્યાં સ્વાદ માણવા માટે પહોંચી રહ્યા છે. અત્યારે રાજકોટમાં ચાની ટપરીથી લઈ ફાઈવ સ્ટાર હોટેલમાં મેગી મળી રહી છે અને લોકો તેના માટે ૭૦ રૂપિયાથી લઈ ૨૫૦ રૂપિયાનો ખર્ચ કરવા માટે પણ તૈયાર હોય છે. નોંધનીય વાત એ છે કે મેગીનું વેચાણ વહેલી સવારથી શરૂ થઈ જાય છે અને આખી રાત ચાલ્યે રાખે છે. આખી રાત વેચાણ ચાલું રહેવાનો મતલબ એ જ થાય કે તેને ખાવા માટે સ્વાદશોખીનોનો કોઈ જ તૂટો નથી…! મતલબ કે અડધી રાત્રે પણ કોઈને ભૂખ લાગે તો તેના માટે મેગી તૈયાર જ હોય છે.
કેવા પ્રકારની મેગી મળે છે
- સાદી મેગી
- ચીઝ બટર મસાલા
- વેજ ચીઝ બટર મસાલા
- લેમન ચીઝ બટર મસાલા
- વેજ મસાલા
- લેમન મસાલા
- ચીઝ બટર તડકા
- ચીઝ બટર ક્રન્ચી કુરકુરે
- ચીઝ બટર ક્રીમ એન્ડ ઓનિયન
- ચીઝ બટર ગાર્લિક
- ટેસ્ટી તડકા
- ક્રન્ચી કુરકુરે
- ક્રીમ એન્ડ ઓનિયન
કોણ કેટલી મેગી ખાઈ શકે ? અમદાવાદ-રાજકોટ વચ્ચે હરિફાઈ !
રાજકોટ સહિત આખા દેશ-વિશ્વમાં મેગી એટલી જ ખવાઈ રહી છે ત્યારે ગુજરાતની વાત કરીએ તો અત્યારે મુખ્ય બે શહેરો અમદાવાદ અને રાજકોટ વચ્ચે હરિફાઈ ચાલી રહી છે. આવું એટલા માટે કેમ કે રાજકોટમાં ૧૨ વર્ષ પહેલાં મેગીની પહેલું આઉટલેટ શરૂ કરનાર યમ્મી-મમ્મી મેગી ઢાબાના માલિક દર્શન ટાંકને અમદાવાદમાં પણ મેગીનું આઉટલેટ છે ત્યારે ત્યાં જેટલી મેગીની ડિશ વેચાય છે તેટલી જ અહીં પણ એટલી જ અથવા તેના કરતા થોડી વધુ વેચાઈ રહી છે. દર્શન ટાંકનો દાવો છે કે રાજકોટમાં મેગીનું પહેલું આઉટલેટ તેણે જ શરૂ કર્યું હતું અને ત્યારબાદ અત્યારે ૫૦ જેટલા નાના-મોટા આઉટલેટ ધમધમી રહ્યા છે. આ જ રીતે વડોદરા ત્રીજા તો સુરત ચોથા ક્રમે હોવાનો દાવો તેણે કર્યો હતો.
રાજકોટમાં રોજની ૨૫૦૦ પ્લેટ મેગી વેચાઈ જાય છે: ઘરમાં ખવાય તે અલગ
દર્શન ટાંકે જણાવ્યું કે એક અંદાજ પ્રમાણે રાજકોટના દરેક આઉટલેટ પરથી રોજની ૨૫૦૦ મેગી પ્લેટ આરામથી વેચાઈ જતી હતી. કદાચ તેના કરતા વધુ હોઈ શકે પરંતુ ઓછી તો નહીં જ હોય…! આ તો થઈ વેચાણની વાત પરંતુ ઘરમાં બનીને ખવાઈ જતી મેગીની સંખ્યાની તો ગણતરી જ કરવી ઘટે…હવે આના પરથી તમે અંદાજ કાઢી શકો કે રાજકોટમાં મેગી પ્રત્યે લોકોની ઘેલછા કેટલી છે.
અમુક લોકો તપેલું ભરીને બાફી નાખે છે તો અમુક પેકેટ ખોલીને જ બનાવે છે
રાજકોટમાં ચાલી રહેલા આઉટલેટ પૈકી અમુકમાં લોકો તપેલું ભરીને મેગી બાફી નાખે છે અને તેના પછી અલગ-અલગ પ્રકારની મેગી ડિશ તૈયાર કરે છે. જ્યારે દર્શન ટાંક સહિતના વેપારી એવા છે જેઓ પેકેટ ખોલીને ગ્રાહક સામે જ મેગીની ડિશ તૈયાર કરવામાં માને છે કેમ કે મેગીનો સાચો ટેસ્ટ તેને તાજેતાજી બનાવવામાં આવે તો જ મળે છે.
એક તો મેગી ભારે ઉપર જતાં ચીઝ-બટરનો ભરપૂર ઉપયોગ: જેવા તેવાનું તો કામ જ નહીં…!
ઘણાખરા નિષ્ણાત ડૉક્ટરો મેગીને પાચનમાં ભારે વાનગી તરીકે ગણી રહ્યા છે તો અમુક ડૉક્ટરો આ વાનગીને હળવી માને છે. ખેર, એ તો ખાનારાની તાસીર ઉપર આધાર રાખે છે પરંતુ હવે તો મેગીમાં ચીઝ-બટર સહિતનો ભરપૂર ઉપયોગ કરવામાં આવતો હોય સાચે જ મેગી ભારેભરખમ થઈ જતી હોવાથી નબળી પાચનશક્તિ ધરાવતા લોકો માટે તો તે ખાવી વસતી પડી જાય છે…!