રાજકોટમાં શિખંડ, તેલ, દૂધ, ઘી, પનીર બધું જ ભેળસેળિયું !
૧૧ નમૂના ફેઈલ જતાં ૭.૪૦ લાખનો દંડ
અનેક સ્થળેથી નમૂના લીધાં બાદ મોટાપાયે વેચાણ થઈ ગયું’તું
રાજકોટમાં અત્યારે ખાણીપીણીમાં ભેળસેળ ચાલી રહ્યાની આશંકાને ધ્યાનમાં રાખી મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા સપ્તાહમાં બે વખત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને શંકાસ્પદ લાગે ત્યાંથી નમૂના લેવામાં આવી રહ્યા છે. આવા જ મહિનાઓ પહેલાં લીધેલા ૧૧ નમૂના પરિક્ષણમાં ફેઈલ જતાં ૭.૪૦ લાખનો દંડ ફટકારાયો છે. જે નમૂના ફેઈલ ગયા છે મતલબ કે જેમાં ભેળસેળ હોવાનું ખુલ્યું છે તેમાં શિખંડ, તેલ, દૂધ, ઘી, પનીર સહિતનો સમાવેશ થાય છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે આ નમૂના લીધા બાદ તેને લેબમાં મોકલવામાં આવ્યા હતા અને ત્યાંથી ૧૮૦ દિવસ બાદ ભેળસેળ છે તેવો રિપોર્ટ આવ્યો ત્યાં સુધીમાં ભેળસેળીયા ખાદ્યપદાર્થ મબલખ વેચાઈ ગયા છે !
જે ખાણીપીણીમાં ભેળસેળ હોવાનો રિપોર્ટ આવ્યો છે તેમાં ચુનારાવાડ શેરી નં.૧માં આવેલા આર.એસ.ગૃહ ઉદ્યોગના ચણા (લૂઝ)માં સડેલા દાણા હોવાના સહિતના કારણોસર નમૂનો ફેઈલ ગયો હોવાથી પેઢીના માલિક રબ્બી બસંતભાઈ ગુપ્તાને પાંચ લાખનો દંડ ફટકારાયો હતો. આ ઉપરાંત લક્ષ્મીનગર મેઈન રોડ પર અશોક ગાર્ડનની બાજુમાં શ્રીરામ ગૃહ ઉદ્યોગનો કેસર શિખંડનો નમૂનો ફેઈલ જતાં તેના માલિક સંજય ડાયાભાઈ ટાંકને ૧.૨૫ લાખનો દંડ, ચુનારાવાડ શેરી નં.૪માં સ્વિસ્તિક રિફાઈન્ડ કપાતિયા સેલમાં ભેળસેળ ખુલતાં પેઢીના માલિક સુનિલ હરેશભાઈ રાવતાનીને ૧.૦૫ લાખનો દંડ ફટકારાયો હતો.
આ ઉપરાંત કોઠારિયામાં સોમનાથ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા શ્રી જય અંબે એન્ટરપ્રાઈઝના શ્રી પારસ દિવાબત્તી ઓઈલ, રામેશ્વર ચોક, ગીતગુર્જરી સોસાયટી મેઈન રોડ પર આવેલી ગાયત્રી ડેરીફાર્મમાંથી લેવાયેલો ડ્રાયફ્રૂટ શીખંડ, કોઠારિયા રોડ પર યોગેશ્વર ડેરીફાર્મમાંથી કેસર શિખંડ, ભક્તિનગર પોલીસ મથક પાસે આવેલી દુકાનમાંથી દિવેલના ઘીમાં ભેળસેળ હોવાનું ખુલતાં તેના માલિક નિશાંત નાગજીભાઈ સતાસીયા, અંબિકા ટાઉનશિપ, અંબેમા મંદિર રોડ પર જનતા સ્વીટનું પનીર ભેળસેળીયું હોવાનું ખુલ્યું છે. આ ઉપરાંત નંદા હોલ સામે જય કિશાન ડેરીફાર્મનું દૂધ, મોરબી રોડ પર સેન્ટમેરી સ્કૂલ પાસે આવેલી સીતારામ ડેરીફાર્મનું શુદ્ધ ઘી અને મંગળા રોડ પર મંત્રમહેલમાંથી લેવાયેલો ફરાળી લોટનો નમૂનો ફેઈલ જતાં પેઢીના માલિકને દંડ ફટકારાયો છે.