રાજકોટમાં વાંક પોલીસનો અને મેમા પ્રજાને
ટ્રાફિક પોલીસે ઇદને કારણે મહિલા કોલેજ ચોકમાં રસ્તો બંધ કરાવી વાહનોને રોંગ સાઈડમાં ધકેલતા વગરવાંકે ફરફરિયા
ઇદેમિલાદુ નબીના તહેવારમાં પોલીસની 1500-1500 રૂપિયાની ઈદીથી અનેક લોકો હેરાન પરેશાન
રાજકોટ : રાજકોટમાં ટ્રાફિક પોલીસની બેદરકારીને કારણે કેટલાય લોકોને વગર વાંકે 1500-1500 રૂપિયાના ઈ-ચલણ ભરવા પડે તેવી સ્થિતિ નિર્માણ થઇ હોવાનું સામે આવ્યું છે, ઇદે મિલાદુન્નબીના તહેવારમાં ગઈકાલે ઠેર-ઠેર ટ્રાફિકજામ વચ્ચે ટ્રાફિક પોલીસે કંટ્રોલરૂમને જાણ કર્યા વગર જ મહિલા કોલેજ ચોકમાં કિશાનપરા તરફ જવાનો માર્ગ બંધ કરી વાહન ચાલકોને રોંગ સાઈડમાં ધકેલી દેતા નેત્રમ સીસીટીવી કંટ્રોલરૂમમાંથી અનેક વાહન ચાલકોને રોંગ સાઈડમાં વાહન ચલાવવા બદલ ઈ-મેમો મોકલ્યા છે, જો કે, ટ્રાફિક કંટ્રોલરૂમે પોલીસની ભૂલ હોવાનું સ્વીકારી આ મેમો રદ કરવા દોઢ માસનો સમય લાગશે તેમ જણાવ્યું હતું.
રાજકોટ શહેરમાં સોમવારે ઇદે મિલાદુન્નબી પર્વને પગલે શહેરભરમાં ટ્રાફિકજામની સ્થિતિ વચ્ચે બપોરના એકાદ વાગ્યાના અરસામાં કાલાવડ રોડ ઉપર મહિલા કોલેજ ચોકમાં ટ્રાફિક પોલીસે કિશાનપરા ચોક તરફ જવાનો રસ્તો બેરીકેટ મારી બંધ કરી દઈ વાહન ચાલકોને આલાબાઇના ભઠ્ઠા તરફના માર્ગ ઉપર વળ્યાં હતા. જો કે, નિયમ મુજબ રસ્તો બ્લોક કરવામાં આવે ત્યારે ટ્રાફિક કંટ્રોલરૂમ નેત્રમ પ્રોજેક્ટને અથવા તો ટ્રાફિક પોલીસ દ્વારા કંટ્રોલરૂમને જાણ કરવાની હોય છે પરંતુ આવી કોઈ પ્રોસિઝર કરવામાં ન આવતા નેત્રમ કંટ્રોલરૃમમાંથી મહિલા કોલેજ ચોકમાં રોંગ સાઈડ નીકળતા અનેક વાહન ચાલકોને ધડાધડ 1500-1500 રૂપિયાના ઈ-મેમો ફટકારી દેવામાં આવ્યા હતા.
બીજી તરફ કોઈપણ જાતના વાંક વગર ધડાધડ મોબાઈલમાં ઈ-મેમો આવતા જ કેટલાક વાહન ચાલકો પોલીસ કમિશનર ઓફિસ ખાતે સીસીટીવી કંટ્રોલ રમ ખાતે દોડી જઈ ટ્રાફિક પોલીસે જ રસ્તો બંધ કરી વાહન ચાલકોને રોંગ સાઈડમાં ધકેલ્યા હોવાની રજુઆત કરી હતી. જો કે, જવાબદાર અધિકારી હાજર ન હોય મંગળવારે કચેરીએ આવવા જણાવ્યું હતું. જો કે, મંગળવારે પણ ટ્ર્રાફિક કંટ્રોલ અને કમાન્ડરૂમ ખાતે રજુઆત માટે ગયેલા અરજદારોને હવે ઓનલાઇન ઈ-મેમો જનરેટ થયા બાદ અહીંથી રદ્દ ન થઇ શકે તેવો જવાબ આપી દોઢેક મહિના બાદ ઉચ્ચકક્ષાએથી મેમો રદ કરવામાં આવશે તેવો પ્રત્યુત્તર પાઠવવામાં આવ્યો હતો.