રાજકોટમાં કિસાનપરા, મોટી ટાંકી, જિલ્લા પંચાયત ચોક સહિત ૧૦ સર્કલ નાના કરાશે
ટ્રાફિક સમસ્યા હળવી કરવા તરફ એક મહત્ત્વનું પગલું
મહાપાલિકાએ સુરતની એજન્સીને શહેરની શોભા' વધારતા ૬૫ સર્કલને નાના-મોટા કરવા માટે સર્વેનું કામ સોંપાયા બાદ પ્રારંભે ૧૦ સર્કલમાં ફેરફારો સુચવ્યા: ટૂંક સમયમાં અન્ય સર્કલોનો લેવાશે
વારો’
રાજકોટમાં દિવસેને દિવસે વસતી અને તેની સાથે સાથે વાહનોની સંખ્યામાં જબ્બર વધારો થઈ રહ્યો હોય ટ્રાફિક સમસ્યા વિકરાળ બની ગઈ છે. શહેરનો એકેય ચોક એવો નહીં હોય કે જ્યાં આખો દિવસ ટ્રાફિકજામ સર્જાઈ રહ્યો ન હોય ! પોલીસ તેમજ મહાપાલિકા તંત્ર દ્વારા આ સમસ્યાના નિવારણ માટે અનેક પ્રયાસો કરાયા પરંતુ તેમાં જોઈએ તેવી સફળતા મળી રહી નથી. આ પાછળ આમ તો અનેક પરિબળો કારણભૂત છે પરંતુ એક કારણ કે જેને મુખ્ય પણ ગણી શકાય તે શહેરની `શોભા’ વધારી રહેલા સર્કલો પણ છે.
શહેરમાં આજની તારીખે ૬૫ જેટલા સર્કલો આવેલા છે જે વર્ષોથી બનાવાયા હોય હવે તેમાં ફેરફાર કરવો જરૂરી બની ગયો છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખી મનપાએ એક એજન્સીને કામ સોંપ્યું હતું જેણે સર્વે કરીને ૧૦ જેટલા સર્કલોને નાના કરવાની જરૂતિયાત સુચવતાં હવે તે દિશામાં કામ શરૂ કરવામાં આવ્યું છે.
આ અંગે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જણાવ્યું કે સુરતની સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય પ્રૌદ્યોગોકી સંસ્થા એસવીએનઆઈટીને શહેરના તમામ ૬૫ સર્કલનો સર્વે કરવા માટેના કામને ગત તા.૫-૪-૨૦૨૨ના કામ આપવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવી હતી. ક્નસલ્ટન્ટ એજન્સી દ્વારા કામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને દસેક જેટલા સર્કલનો સર્વે કરવામાં આવતાં તેને નાના કરવાની જરૂરિયાત લાગી રહી છે.
આ ચોકમાં કિસાનપરા ચોક, મોટી ટાંકી ચોક, જિલ્લા પંચાયત ચોક સહિતના ૧૦ સર્કલનો સમાવેશ થાય છે જેને નાના કરવા જરૂરી હોવાથી હવે મહાપાલિકા દ્વારા ટૂંક સમયમાં આ દસેક સર્કલની નવી ડિઝાઈન કરીને નાના કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. સર્કલ નાના થવાને કારણે ટ્રાફિક સમસ્યામાં ઘણી રાહત પહોંચશે કેમ કે આ દસેય સર્કલ પાસેથી હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે.
આટલા સર્કલને નાના કરાશે
- સ્વામિનારાયણ ચોક
- કટારિયા-૨
- કોટેચા ચોક
- સ્પીડવેલ ચોક
- મોકાજી સર્કલ
- બેડી સર્કલ
- વેગડ ચોક
- કિસાનપરા ચોક
- જિલ્લા પંચાયત ચોક
- મોટી ટાંકી ચોક
સાંઢિયા પુલની ફાઈલ પરથી ધૂળ ખંખેરાઈ
જામનગર રોડ પર વર્ષો જૂનો સાંઢિયો પુલ ખખડવા લાગ્યો હોય હવે તાકિદે તેને નવો બનાવવાની જરૂરિયાત લાગી રહી હોય મહાપાલિકા દ્વારા પુલની ફાઈલ પરથી ધૂળ ખંખેરવાનું શરૂ કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં અહીં લાઈન ઑફ પબ્લીક સ્ટ્રીટ અંતર્ગત કપાત જાહેર કરવામાં આવ્યા બાદ કપાતમાં જેમની જમીન જાય છે તે અસરગ્રસ્તોને ડિસેમ્બર સુધીમાં જગ્યા ખાલી કરવા આદેશ આપવામાં આવ્યો છે અને જો ત્યાં સુધીમાં ખાલી નહીં થાય તો કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.