એક મહિનામાં એસટી બસમાં 100 ટકા મુસાફરો યુપીઆઈ થી ટિકિટનું પેમેન્ટ કરી શકશે
રાજકોટ એસટીની 500 એક્સપ્રેસ બસમાં યુપીઆઈથી પેમેન્ટની સુવિધા શરૂ કરાઇ
ડિવિઝનના અમુક રૂટની એક્સપ્રેસ બસમાં મુસાફરોને યુપીઆઈથી પેમેન્ટ કરવા બાબતની તાલીમ આપવામાં આવી ન હોવાનો કંડક્ટરોમાં કચવાટ
રાજ્યના વાહન વ્યવહાર મંત્રી દ્વારા પ્રથમ તબક્કાના ભાગ સ્વરૂપે 2500 જેટલી એસટી બસમાં યુપીઆઈની સુવિધાનો કરાયો પ્રારંભ
રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી રાજકોટ સહિત 7 એસટી ડિવિઝનમાં મુસાફર ટિકિટનું પેમેન્ટ યુપીઆઈથી ચૂકવી શકે તેવી સુવિધા શરૂ કરી છે. રાજ્યમાં તબક્કાવાર ઉપરોક્ત સેવાનો પ્રારંભ કરાશે. જો કે, રાજકોટમાં બુધવારથી 500 એક્સપ્રેસ બસમાં મુસાફરો યુપીઆઈથી ટિકિટનું પેમેન્ટ ચૂકવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે રાજ્યમાં 4500 મશિન વસાવી લેવામાં આવ્યા છે અને 2500 જેટલી બસમાં ઉપરોક્ત સુવિધાનનો પ્રારંભ કરાયો છે.
દરમિયાન રાજકોટ એસટી ડિવિઝન હેઠળના અમુક ડેપોના કંડક્ટરોને યુપીઆઈથી મુસાફરોને ટિકિટ કેવી રીતે આપવી? તે માટેની કોઈ તાલીમ આપવામાં આવી ન હોય કંડક્ટરોમાં કચવાટ ફેલાયો છે. બીજી તરફ રાજકોટ એસટીના ડીસી કલોતરાના જણાવ્યા અનુસાર એક મહિનાથી અમુક બસમાં ડેમોસ્ટ્રેશન સ્વરૂપે કામગીરી એક મહિનાથી કરી દેવામાં આવી છે. બીજી તરફ અમુક કંડક્ટરો એવી ફરિયાદ કરે છે કે, એકાએક યુપીઆઈથી મુસાફરો ટિકિટના પૈસા ચૂકવતા સમય લાગે છે. આખી બસ ભરચ્ચક હોય અને પેસેન્જરો પણ ઊભા હોય છે ત્યારે 40 ટકા યુપીઆઈથી ટિકિટનું પેમેન્ટ ચૂકવે ત્યારે મોબાઈલમાંથી સ્કેન કર્યા બાદ નાણાં જમા થાય અને તે જોવા માટે સમય લાગે છે.
ટિકિટ આપતા પહેલા મુસાફરને પેમેન્ટ રોકડેથી કે યુપીઆઈથી કરશો તેવું પૂછવું પડશે
એસટી બસમાં મુસાફરી કરતાં એક્સપ્રેસ બસના મુસાફરોને ટિકિટ આપતા પહેલા કંડકટર દ્વારા પૂછવામાં આવશે કે રોકડેથી પેમેન્ટ કરશો? કે યુપીઆઈથી ટિકિટ મેળવશો?રાજકોટમાં લાંબા રૂટની એક્સપ્રેસ બસમાં યુપીઆઈ પેમેન્ટની સુવિધા શરૂ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં વધુ બસમાં ઉપરોક્ત યુપીઆઈની સુવિધા 100 ટકા શરૂ કરી દેવામાં આવશે તેમ રાજકોટ એસટીના ડીસીએ જણાવ્યું હતું.