રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ ગૌતમ નગરમાં ગાય પકડવા અંગે માલધારી સમાજ અને ઢોર પકડ પાર્ટી વચ્ચે થઈ રકઝક …. શું કહ્યું વેટરનીટી ઓફિસરે જુઓ વિડિયો
રાજકોટમાં રખડતાં ઢોર પકડાય એટલે તેના માલિકને ત્રણ ગણો દંડ ફટકારવા સહિતની આકરી જોગવાઈઓ ધરાવતી દરખાસ્ત પેન્ડીંગ રાખીને ઢોરમાલિકોને મહાપાલિકાએ રાહત' આપ્યાના બીજા જ દિવસે જાણે કે
આફત’ આવી પડી હોય તેવી રીતે ગાંધીગ્રામમાં ઢોર પકડવા ગયેલી ઢોરપકડ પાર્ટીના સ્ટાફ પર ટોળાએ તૂટી પડી સ્ટાફના કપડાં ફાડી નાખી બેફામ ધોલાઈ કરતાં પોલીસના ધાડેધાડે ખડકી દેવામાં આવ્યા હતા. આ અંગે ફરિયાદ નોંધાતાં પોલીસે સાત લોકો સામે ગુનો નોંધી બેની ધરપકડ કરી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે મહાપાલિકામાં ફરજ બજાવતાં પ્રફુલસિંહ નારણભાઈ ઝાલાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ તેમજ ઢોરપકડ પાર્ટીના રવિકુમાર નાથાભાઈ નંદાણીયા, બીપીનભાઈ ધોળકીયા, હિતેશભાઈ મુંગરા, હિનાબેન ધોળકીયા, ઈલાબેન જગળ, સંજયભાઈ બખતરીયા, ચિરાગ મેવાડા સહિતનો સ્ટાફ ૮૦ ફૂટ રોડ પરથી રખડતાં ઢોર પકડવાની કામગીરી પૂર્ણ કરીને સવારે આઠેક વાગ્યા આસપાસ લાખના બંગલાવાળા રોડ પર મારૂતિ હોલ પાસે ગૌતમનગર શેરી નં.૪ના ખૂણા પાસે પહોંચ્યા ત્યારે રસ્તા પર ઢોર રખડી રહ્યા હોય તેને પકડવાની શરૂઆત કરતાં જ મેહુલ વશરામભાઈ મીર, તેની સાથે બે પુરુષ અને ચાર મહિલાઓ ત્યાં ધસી આવ્યા હતા અને ઝઘડો શરૂ કરી દીધો હતો. આ પછી ભાવેશ સોલંકીને નખોડીયા ભરીને શર્ટ ફાડી નાખીને છાતી પર મુક્કા માર્યા હતા જ્યારે ચિરાગ મેઘવાડને છ જેટલા ફડાકાં ઝીક્યા હતા. આવી જ રીતે સ્ટાફના અન્ય લોકો પર ટોળાએ હિચકારો હુમલો કરતા સ્ટાફે હિંમતભેર મેહુલને પકડીને જીપમાં બેસાડી દેવા પ્રયત્ન કર્યો હતો. જો કે એટલી વારમાં વધુ લોકોનું ટોળું ત્યાં ધસી આવ્યું હતું અને માથાકૂટ કરવા લાગ્યું હતું. આટલું ઓછું હોય તેમ અમે પકડીને ટે્રક્ટરની ટ્રોલીમાં પૂરેલી ગાયો પણ એ લોકો છોડાવીને લઈ ગયા હતા.
પોલીસે આ ફરિયાદના આધારે મેહુલ મીર સહિત સાત લોકો સામે ફરજ રૂકાવટ તેમજ રાયોટિંગનો ગુનો નોંધી મેહુલ સહિત બેની ધરપકડ કરી લીધી છે જ્યારે બાકીનાની શોધખોળ ચાલી રહી છે.
ઢોરમાલિકોની હિંમત વધશે, ઢોરપકડ પાર્ટીની ઘટશે !
ગૌતમનગરમાં જે પ્રકારે ઢોરપકડ પાર્ટી પર હુમલો કરીને ટોળું ઢોર છોડાવી ગયું તે પ્રકારની ઘટના બનતાં જ હવેથી ઢોરમાલિકોની હિંમત વધશે તો આ પ્રકારે માર ખાવાને કારણે ઢોરપકડ પાર્ટી કોઈ પણ વિસ્તારમાંથી ઢોર પકડતાં પહેલાં સો વખત વિચાર કરશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. એટલા માટે જ મહાપાલિકાના પદાધિકારીઓ-અધિકારીઓ દ્વારા ઢોરપકડ પાર્ટી સાથે ચુસ્ત બંદોબસ્ત રહે તેવી વ્યવસ્થા કરવી જરૂરી બની જાય છે.
દુઝણી ગાય પકડતાં જ મામલો બીચક્યો
આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઈ જે.જી.જાડેજાએ જણાવ્યું કે ઢોરપકડ પાર્ટીના સ્ટાફે ગૌતમનગરમાં રખડતી દુઝણી ગાય પકડતાં જ મામલો બીચક્યો હોવાનું લાગી રહ્યું છે. પોલીસે સાત લોકો સામે રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બેની ધરપકડ કરી છે ત્યારે બાકીનાની શોધખોળ હાલ ચાલી રહી છે.