આવકવેરા દરોડામાં બિલ્ડરના આર્થિક વ્યવહારોની મહત્વની માહિતી મળી
બીજા દિવસે પણ 30 સ્થળે તપાસ યથાવત, જપ્ત થયેલા દસ્તાવેજો અને ડિઝિટલ ડેટાની તપાસ
લાડાણી ગ્રુપના આર્થિક વ્યવહારો સાંભળતા ભાણેજે 10 માળેથી ફેંકેલો મોબાઈલ કબજે
હજુ પાંચ દિવસ તપાસ ચાલુ રહેશે
રાજકોટના ટોચના બિલ્ડર્સ અને તેમના પ્રોજેક્ટમાં ફાઇનાન્સ કરતા અલગ અલગ ગ્રુપ ઉપર આવકવેરાએ પડેલા દરોડાની તપાસ બીજા દિવસે પણ ચાલુ રહી હતી. ઓરબીટ ગ્રુપના વિનેશ પટેલ અને જાણીતા બિલ્ડર દિલીપ લાડાણી અને તેની સાથે સંકળાયેલા ભાગીદારો અને ફાઇનાન્સરને ત્યાં આવકવેરાના દરોડા આખી રાત ચાલુ રહ્યાં હતા. તપાસમાં કેટલાક બેનામી વ્યવહારો પણ મળી આવ્યા છે. બીજા દિવસે પણ આવકવેરા વિભાગે અલગ અલગ 30 જેટલી જગ્યાઓ પર સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું છે.
સર્ચ ઓપરેશનમાં વિવિધ દસ્તાવેજો, ડિજિટલ ડેટા, તેને સંલગ્ન માહિતીઓ એકત્રિત કરવામાં આવી રહી છે. લાડાણી ગ્રુપ સાથે જોડાયેલા રાજ પેલેસ ખાતે 10માં માળે રહેતા અંકિત સીરા અને તેના સાળા બન્નીને ત્યાં પણ આવકવેરા વિભાગે તપાસ કરતાં એક મોબાઈલ અને લેપટોપ મળી આવ્યું હતું જે માંથી ડિઝિટલ ડેટા મેળવી હિસાબો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.દિલીપ લાડાની સાથે ભાણેજના સંબંધથી જોડાયેલા અંકિત સીરાએ દરોડા વખતે તેનો મોબાઈલ નો ઘા કરી દીધો હતો જે મોબાઈલ પણ આવકવેરા વિભાગે કબજે કરી તેમાંથી માહિતી રિકવર કરી છ. અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે, લાડાણી ગ્રુપનો તમામ આર્થિક વહીવટ અંકિત સીરા પાસે હોય તેના લેપટોપ માંથી કરચોરીની મોટી વિગતો મળે તેવી શક્યતા છે. 500 કરોડથી વધુના નાણાકીય વ્યવહાર ની વિગતો પણ તે લેપટોપમાં શંકા છે.
આવકવેરા વિભાગ દ્વારા બીજા દિવસે પણ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે અને આ સર્ચ ઓપરેશન પાંચ દિવસ ચાલશે તેમ આવકવેરા વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે. લાડાણી ગ્રુપ,ઓરબીટ ગ્રુપ સાથે વર્ધમાન ગ્રુપને ત્યાં તપાસમાં 15 લાખની રોડક મળી હોવાની ચર્ચા થઈ રહી છે. આ ત્રણેય ગ્રુપ સાથે જોડાયેલ અન્ય પેઢી ધારકોના પણ કેટલાક બેનામી વ્યવહારો કર્યા મળ્યા છે. રાજકોટ આઇટીની ઈન્વેસ્ટીગેશન વિંગ દ્વારા જાણીતા બીલ્ડર દિલીપ લાડાણી, ઉપરાંત ઓરબીટ ગ્રુપના વિનેશ પટેલ, ટવીન ટાવર ગ્રુપનાં મયુર રાદડીયા, દાનુભા જાડેજા(દોમડા), ઉપરાંત ગેલેકસી ગ્રુપનાં નિલેશ જાગાણી તથા રીયલ એસ્ટેટ ક્ષેત્રે મોટા વ્યવહારો ધરાવતાં મહિપતસિંહ જાડેજા સહિતનાઓને ત્યાં 30 જેટલા સ્થળોએ દરોડા કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. જપ્ત થયેલા દસ્તાવેજોની સંખ્યા ઘણી મોટી છે અને તેના આધારે જંગી બિનહીસાબી વ્યવહારોનો ભાંડો ફૂટી શકે છે. તંત્ર દ્વારા હાલ તો હજુ તમામ સ્થળો-જગ્યાઓ ચકાસવામાં આવી રહી છે. રાજકોટ આવકવેરાના ઇતિહાસમાં આ કદાચ સૌથી મોટુ ઓપરેશન બની શકે છે.