કોઈ પણ ભોગે બે કરોડ સભ્યો બનાવવા છે, કામે લાગી જાવ
કેન્દ્રીય મંત્રી બન્યા બાદ પહેલી વાર રાજકોટ આવેલા સી.આર.પાટીલને શહેર ભાજપને મંત્ર
કમલમ્ ખાતે બેઠક: ગુજરાતમાંથી ૨ કરોડ લોકોને ભાજપ સાથે જોડવા નેતાઓ-કાર્યકરોને આહ્વાન
પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ કેન્દ્રમાં મંત્રી બન્યા બાદ પહેલી વખત રાજકોટ આવ્યા હતા. અહીં તેમણે શહેર ભાજપને મંત્ર આપતાં કહ્યું હતું કે કોઈ પણ ભોગે બે કરોડ સભ્ય બનાવવાના હોવાથી સૌએ ખભેખભા મીલાવીને કામ કરવું જ પડશે.
સી.આર.પાટીલે નેતાઓ-કાર્યકરોને સંબોધન કરતાં જણાવ્યું કે હું કેન્દ્રીય મંત્રી ભલે બન્યો પરંતુ આજે પ્રદેશ પ્રમુખ તરીકે જ રાજકોટ આવ્યો છું. દિલ્હી ખાતે સંગઠનની બેઠક મળી ત્યારે અમે લોકો ગુજરાતમાંથી કેટલા મતનો ટાર્ગેટ આપશું તેની ગડમથલમાં મુકાઈ ગયા હતા. લાંબા વિચાર-વિમર્શ બાદ બે કરોડનો આંક નક્કી કરવામાં આવ્યો હતો.
આ વેળાએ તેમણે પાછલી ચૂંટણીઓના આંકડા પણ આપ્યા હતા જેમાં પાછલી લોકસભા ચૂંટણીમાં ભાજપને ૧.૮૮ કરોડ મત મળ્યા હતા. જ્યારે સુરતની બેઠક બિનહરિફ થતાં ત્યાંના આઠ લાખ મત મેળવવામાં આવે તો ભાજપને કુલ મળેલા મતની સંખ્યા ૧.૯૬ કરોડે પહોંચી જાય તેમ હતી. આમ બે કરોડનો આંક ગુજરાતમાં ભાજપ માટે બહુ છેટો નહીં હોવાથી બે કરોડ નહીં બલ્કે તેના કરતા વધુ મત મળે તેવા પ્રયાસો કરવા અત્યારથી જ સૌને કામે લાગી જવા તેમણે આહ્વાન કર્યું હતું.
કમલમ્ ખાતે બેઠક પૂર્ણ કર્યા બાદ તેઓ ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના નિવાસસ્થાને ગયા હતા. રમેશભાઈ ટીલાળાના પિતરાઈ ભાઈ કિશોરભાઈ ટીલાળાનું તાજેતરમાં જ અકસ્માતને કારણે નિધન થયું હોવાથી ટીલાળા પરિવારને સાંત્વના આપવા માટે પાટીલે તેમની મુલાકાત લીધી હતી. આ પછી તેઓ ક્રેડાઈના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહ્યા હતા.
…ને પાટીલને રજૂઆત કરવા સફાઈ કામદારોનું ટોળું ધસી ગયું, મુકેશ દોશી સાથે રકઝક
મહાપાલિકામાં સફાઈ કામદારોની ભરતીને લઈને અન્યાય થઈ રહ્યાની રજૂઆત સાથે મોટી સંખ્યામાં કામદારોનું ટોળું કમલમ્ ખાતે સી.આર.પાટીલને રજૂઆત કરવા ધસી ગયું હતું. હજુ પાટિલ આવ્યા ન હોવાથી શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી કામદારો પાસે પહોંચ્યા હતા અને રજૂઆત માટે આ યોગ્ય સમય અને સ્થળ ન હોવાથી અહીંથી ચાલ્યા જવા કહેતાં કામદારોના આગેવાન પારસ બેડિયા સાથે મુકેશ દોશીને રકઝક થઈ હતી. જો કે મુકેશ દોશીએ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપતાં જ કામદારો ત્યાંથી રવાના થઈ ગયા હતા.