એરલાઈન્સ તૈયાર થાય તો કસ્ટમ્સ-ઈમિગ્રેશનની સુવિધા ટર્મિનલમાં જ ઉભી થઈ જશે
ઉપરથી સુચના આવ્યા બાદ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ મામલે એરપોર્ટ ડિરેક્ટરનો યૂ-ટર્ન
ભવિષ્યમાં ફ્લાઈટની સંખ્યા વધે તો જ નવું ટર્મિનલ બનાવવું પડશે
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ (હજુ માત્ર કાગળ ઉપર) શરૂ થયાને એક વર્ષ પણ પૂર્ણ થયું નથી ત્યાં વિવાદ થવાનું શરૂ થઈ ચૂક્યું છે. આ એરપોર્ટને ઈન્ટરનેશનલ નામ અપાયા બાદ લોકોને એમ હતું કે ટૂંક સમયમાં જ રાજકોટથી વિદેશથી ફ્લાઈટ ઉડાન ભરશે. જો કે આ આશા ફળીભૂત થાય તે પહેલાં જ એરપોર્ટ ડાયરેક્ટરે કહી દીધું હતું કે અત્યારે ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ થવાની નથી કેમ કે તેના માટે જરૂરી એવી કોઈ વ્યવસ્થા નવા ટર્મિનલ બિલ્ડિંગમાં થઈ શકે તેમ નથી ! આ પ્રકારના અહેવાલ પ્રસિદ્ધ થતાં જ ચારે બાજુ વિરોધ શરૂ થઈ ગયો હતો. આ વાત `ઉપર’ સુધી મતલબ કે દિલ્હી સુધી પહોંચતાં જ ત્યાંથી રેલો આવ્યો હતો અને ડાયરેક્ટરે રાતોરાત પોતાનું નિવેદન ફેરવી તોળતાં તરેહ-તરેહની ચર્ચાએ જોર પકડી લીધું છે.
એરપોર્ટ ડાયરેક્ટર દિગંતા બોરાહે જણાવ્યું હતું કે એરપોર્ટ ખાતે જે કાયમી ટર્મિનલ તૈયાર થઈ રહ્યું છે તેમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ-પેસેન્જર માટે અત્યંત જરૂરી એવી ઈમિગ્રેશન, કસ્ટમ્સ સહિતની સુવિધા શક્ય ન હોવાથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ટર્મિનલ પરથી ઓપરેટ થાય તેવી કોઈ જ શક્યતા લાગી રહી નથી. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ માટે વધુ એક ટર્મિનલ બનાવવામાં આવશે જેની યોજના ઘડાઈ રહી છે. આ પ્રકારના અહેવાલો પ્રસિદ્ધ થતાં જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકો પોતે રીતસરના છેતરાયા હોવાનું અનુભવવા લાગ્યા હતા કેમ કે જ્યારે એરપોર્ટનું ઉદ્ઘાટન થયું ત્યારે અહીં આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં હોય તેવી તમામ સુવિધા ઉપલબ્ધ બનશે તેવા દાવા કરવામાં આવ્યા હતા જેનું ડાયરેક્ટરના એક નિવેદનને કારણે સૂરસૂરિયું થઈ જવા પામ્યું હતું.
આ નિવેદન આપ્યાના કલાકો બાદ એરપોર્ટ ડાયરેક્ટરે એવું નિવેદન આપ્યું છે કે એરલાઈન્સ દ્વારા રાજકોટ એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનું સંચાલન કરવાની કોઈ જ દરખાસ્ત કરવામાં આવી નથી. ટર્મિનલ બિલ્ડિંગ ટૂંક સમયમાં શરૂ થશે જ્યાંથી ડોમેસ્ટિક ફ્લાઈટ ઉડાન ભરશે. જો કે એરલાઈન્સ દ્વારા આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ માટેની દરખાસ્ત કરવામાં આવશે તો ડોમેસ્ટિક ફ્લાઈટ માટેના ટર્મિનલમાં જ કસ્ટમ્સ અને ઈમિગ્રેશન સહિતની સુવિધા ઉભી કરી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનું સંચાલન કરવામાં આવશે. જ્યારે આવનારા સમયમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટની સંખ્યામાં વધારો થશે તો વધારાનું એક ટર્મિનલ તેના માટે ખાસ બનાવવામાં આવો !
ડાયરેક્ટરના આ નિવેદન બાદ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે તેમણે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટના સંચાલન માટે એરલાઈન્સ પર બધું ઢોળી દીધું છે. હવે સવાલ એ ઉપસ્થિત થાય છે કે જો નવા ટર્મિનલ પરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ઉડાનની તૈયારી હતી તો પછી તેમણે શા માટે અગાઉ એવું નિવેદન આપ્યું કે અહીં શક્ય નથી ?