મેં ૧૦ રૂપિયા લેખે ભાડું ચૂકતે કરી દીધું છે, મંજૂરી સાથે કાર લીધી’તી: નયનાબેન
એક નાની ગેરસમજે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું: જૂથવાદ, અસંતોષ સહિતની વાતો પ્રગટ થવા લાગી…!
મેયર ૨ રૂપિયા પ્રતિ કિ.મી.ના ભાડે મહાકુંભમાં ગાડી લઈ ગયા હતા: જયમીન ઠાકર
ભાડાના પરિપત્ર બાબતે હું અજાણ રહી જતાં મુદ્દો ઉપસ્થિત થયો છે: અમિત દવે
મહાકુંભમાં ડુબકી મેયરે લગાવી’ને મહાપાલિકામાં થઈ ગયો ભડકો
પ્રયાગરાજ ખાતે મહાકુંભ ચાલી રહ્યો છે જેમાં દરરોજ કરોડોની સંખ્યામાં ભાવિકો સ્નાનનો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે. આ મહાકુંભમાં સ્નાન કરવાનો લાભ રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા અને તેમના પતિ સહિતનાએ પણ લીધો હતો પરંતુ તેઓ મહાકુંભમાં ગયા ત્યારથી લઈ શુક્રવારે મેયર કચેરીમાં આવ્યા ત્યાં સુધીમાં તરેહ-તરેહની ચર્ચાઓ, વિરોધ સહિતનું આકાર લઈ જવા પામ્યું હતું. એકંદરે એક નાનકડી ગેરસમજે મોટું સ્વરૂપ ધારણ કરી લેતાં ખુદ મેયરે તમામ બાબતે સ્પષ્ટતા કરવી પડી હતી.

જ્યારે મેયર પોતાને હોદ્દાની રૂએ મળેલી સત્તાવાર કાર લઈને પ્રયાગરાજ ગયા ત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરને આ બાબતે પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે મેયર નયનાબેન ૨ રૂપિયા પ્રતિ કિલોમીટર લેખે ઈનોવા કાર લઈને ગયા છે. બે રૂપિયા ભાડું સાંભળીને જ સૌના કાન સરવા થઈ ગયા હતા અને હિસાબ માંડવાનું શરૂ કરી દેવાયું હતું કે સામાન્ય લોકો આ પ્રકારે કાર લઈને જાય તો તેમને ૧૫થી ૧૮ રૂપિયા પ્રતિ કિ.મી. ભાડું થાય છે જ્યારે મેયરને બે રૂપિયા પ્રતિ કિ.મી. કાર ભાડે મળી જાય એ તો બહુ જ સારું કહેવાય…આ પછી કોંગ્રેસ દ્વારા લેખિત તો આમ આદમી પાર્ટી દ્વારા પ્રતિકાત્મક વિરોધ પણ કરવામાં આવ્યો હતો.
હવે જ્યારે મેયર મહાપાલિકા કચેરીએ હાજર થયા એટલે તેમણે પત્રકારો સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે તેઓ પ્રતિ કિલોમીટર દીઠ બે રૂપિયા લેખે નહીં બલ્કે દસ રૂપિયા લેખે ગાડી લઈને ગયા હતા અને આ ભાડું પણ તેમણે નહીં બલ્કે કાગળ ઉપર જે પ્રમાણે નક્કી થયું છે તે પ્રમાણે ભરપાઈ કરવાની શરતે લઈ ગયા હતા અને પ્રતિ કિ.મી. ૧૦ લેખે તેમણે ભાડું ચૂકતે પણ કરી દીધું છે.
હવે સવાલ એ થાય કે મેયર દસ રૂપિયા લેખે ગાડી લઈને ગયા તો પછી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે શા માટે બે રૂપિયા પ્રતિ કિ.મી. લેખે ગાડી લઈને ગયા છે તેમ કહ્યું ? આ સવાલનો જવાબ એક નાનકડી અમથી ભૂલમાં છુપાયેલો હતો. જયમીન ઠાકરે જ્યારે ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેને પૂછયું કે મેયરને કેટલા રૂપિયાના ભાડે કાર આપવામાં આવી છે તો તેમણે ૨૦૧૪માં થયેલા ઠરાવ પ્રમાણે જવાબ આપી દીધો હતો. ત્યારે સરકાર દ્વારા મહાપાલિકાના કોઈ પણ પદાધિકારી ગુજરાત બહાર કાર લઈ જાય તો તેની પાસેથી ૨ રૂપિયા પ્રતિ કિ.મી. ભાડું વસૂલવું તેવો નિયમ અમલમાં મુકાયો હતો. જો કે ૨૦૨૨માં આ ઠરાવમાં સુધારો કરવામાં આવ્યો હતો અને ભાડું વધારીને દસ રૂપિયા કરાયું હતું. જો કે અમિત દવે નવા ઠરાવથી અજાણ હોય તેમણે જૂના ઠરાવ પ્રમાણે જ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને ભાડું જણાવી દીધું હતું તે ભાડું ચેરમેને પત્રકારો સમક્ષ જાહેર કર્યું હતું !
મારાથી શરતચૂક થઈ હોવાનો પત્ર કમિશનર-ચેરમેનને લખ્યો છે: દવે
આ અંગે ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મેયર ૧૦ રૂપિયા પ્રતિ કિ.મી.ના ભાડાથી જ કાર લઈ ગયા હતા. જો કે જ્યારે ૨૦૨૨માં નવો ઠરાવ કરાયો ત્યારે તેઓ કોઠારિયા ફાયર સ્ટેશનમાં ફાયર ઓફિસર તરીકે કાર્યરત હતા જેથી તેમને નવા ઠરાવ અંગેની જાણકારી ન્હોતી. તેઓને ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર બનાવાયાને હજુ મહિનાઓ થયા છે અને ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ બાદ તેમને નવી જવાબદારી મળી હોય કામગીરીના ભારણને કારણે તેઓથી શરતચૂક થઈ હતી જે અંગે તેમણે મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને પત્ર પણ લખીને ભૂલ સ્વીકારી લીધી છે.
મેયરે કહ્યું, એક મહિલા તરીકે મારી ગરિમા જળવાઈ નથી, કાર પર કપડાં સૂકવવા બાબતે પણ કરી ચોખવટ
દરમિયાન મેયર નયનાબેન પેઢડિયાએ એકદમ ભાવુક બનીને કહ્યું હતું કે મેયર નહીં બલ્કે એક મહિલા તરીકે મારી ગરિમા જળવાઈ નથી જેનો મને અફસોસ છે. કાર પર કપડાં સુકવવા બાબતે તેમણે કહ્યું કે સ્નાન કર્યા બાદ કપડાં નીચોવી શકાય તેમ ન હોય તેને ટીંગાડવા જરૂરી હતા પરંતુ ત્યાં ક્યાંય પણ ખીલ્લી કે ખીંટીની વ્યવસ્થા ન હોવાને કારણે કાર ઉપર જ સૂકવવામાં આવ્યા હતા.