રાજકોટની પાણીની સમસ્યાથી ચિંતિત છું, કાયમી ઉકેલ જરૂરી : ગોવિંદભાઇ પટેલ
પાંચ દાયકા કરતાં પણ વધુ સમયથી સકારાત્મક રાજકારણમાં સક્રિય
પૂર્વ મંત્રી ગોવિંદભાઇ પટેલ `વોઇસ ઓફ ડે’નાં પેઇજ ગેસ્ટ
સાચું બોલવામાં કોઇની શેહશરમ નથી રાખી
નરેન્દ્રભાઇના મંત્રીમંડળમાં સ્થાન મળ્યું

ગોવિદભાઈ પટેલને નરેન્દ્રભાઈ મોદી જયારે મુખ્યમંત્રી હતા ત્યારે મંત્રીમંડળમાં સ્થાન અપાયું હતું અને વન-પર્યાવરણ, પુરવઠા, પાણી-પુરવઠા અને કૃષિ મંત્રાલયની જવાબદારી આપવામાં આવીએ હતી. આ જ રીતે ત્યાર પછી આનંદીબેન પટેલના મંત્રીમંડળમાં સાયન્સ અને ટેકનોલોજી વિભાગ સોંપવામાં આવ્યો હતો.

રાજકોટમાં શું ગમે અને શું ન ગમે?
દરેકને પોતાના લાઈકીંગ અને ડીસ્લાઇકિગ હોય છે. ગોવિદભાઈને પણ છે.. તેમને રાજકોટનું વેધર ગમે છે.. માણસો ગમે છે… પણ લોકોની ટ્રાફિક સેન્સ ઓછી છે તે જરા પણ પસંદ નથી.
પક્ષ ચલાવવા માટે ફંડ ભેગું કર્યું
ગોવિદભાઈ કહે છે કે, હું પક્ષમાં નવો નવો કાર્યકર હતો પણ ચિમનકાકાનો વિશ્વાસ જીતી લીધો એટલે મને ૧૬૨ લોકોનું લીસ્ટ આપ્યું અને તેમની પાસેથી દર મહિને પાર્ટી ફંડ પેટે દસ-દસ રૂપિયા લેવાની કામગીરી સોંપી હતી. ક્યારેક કોઈક એક-બે ધક્કા ખવડાવતા ત્યારે ચિમનકાકા ફોન કરીને તેમને મીઠો ઠપકો પણ આપતા.
આજના રાજકારણીઓ વિશે પ્રજાના મનમાં ભલે ગમે તેવી છાપ હોય પણ કેટલાંક આગેવાનો સાચા અર્થમાં પ્રજાના સેવક હોય છે અને તે તેમના કામ ઉપરથી સાબિત થઇ ચૂકેલું હોય છે. રાજકોટનાં ગોવિદભાઈ પટેલ કોઈ માટે અજાણ્યા નથી. પાંચ દાયકા કરતા પણ વધુ સમયથી જાહેરજીવનમાં નિષ્કલંક રહીને પ્રજાની સેવા કરનારા ગોવિદભાઈ પટેલ ભલે આજે નથી મંત્રી કે નથી ધારાસભ્ય પણ તેમનો પ્રજાકીય કામોનો સિલસિલો યથાવત જ છે. આજના સમયમાં સમાજને આવા ‘સેવક’ મળવા મુશ્કેલ હોય છે. `વોઈસ ઓફ ડે’નાં પેઈજ ગેસ્ટ બનેલા ગોવિદભાઈ પટેલ પાસેથી તેમના અંગત અને જાહેરજીવનની ઘણી વાતો જાણવા મળી છે.
ગોવિદભાઈનો જન્મ ૭ ઓગસ્ટ, ૧૯૪૯ના રોજ કાલાવાડ તાલુકાનાં ડાંગરવાડામાં થયો હતો. ગોવિદભાઈના પિતાનું નામ ઉકાભાઈ અને માતાનું નામ અમૃતબેન..તેઓ છ ભાઈ અને એક બહેન છે. ડાંગરવાડા ખોબા જેવડું ગામ એટલે કે વસતિ માત્ર પાંચસો લોકોની.. આશ્ચર્યની વાત એ છે કે, શહેરીકરણને લીધે ગામડા ભાંગ્યા અને તેથી આજે પણ ડાંગરવાડાની વસતિ એટલી ને એટલી જ છે.
ગોવિદભાઈ ચાર ધોરણ સુધી ગામમાં જ ભણ્યા…પિતા તો કહેતા હતા કે બધાએ ખેતીકામમાં જ લાગી જવાનું છે…પણ માતાનો આગ્રહ અને ગોવિદભાઈની પોતાની ભણવાની ઈચ્છા હતી એટલે પાંચમાં ધોરણથી નાના વડારા ગામે ભણવા ગયા અને પછી ત્યાંથી ૧૯૬૨-૬૩માં ગોંડલ ભણવા ગયા. ગોંડલથી રાજકોટ ભણવા આવ્યા અને ગુંદાવાડીમાં એક રૂમ ભાડે રાખ્યો. આજુબાજુમાં પાણી ભરવા જવાનું, હાથે રસોઈ બનાવવાની અને બધામાંથી પરવારીને પી.ડી.એમ. સુધી ભણવા જવાનું. ગુંદાવાડી ચોરા પાસેથી પી.ડી.એમ. સુધી ચાલીને જવાનું હતું અને આ રીતે કોલેજ કરી. એલ.એલ.બી. સુધી અભ્યાસ કર્યો. ગોવિદભાઈને પહેલેથી જાહેરજીવનમાં રહેવાનો શોખ હતો.
અનુસંધાન પાના નં.૧૨ નાના હતા ત્યારે ગામમાં ભીમજીભાઈ નામના આગેવાનને આવતા જોયા હતા અને તેમનો વટ જોયો હતો એટલે મનમાં એમ હતું કે એક દિવસ આપણે આવા મોટા માણસ થવું છે. બસ આ જ વિચારથી તેઓ જાહેરજીવનમાં આવ્યા હતા અને સ્વાર્થ વગરની સેવા શરુ કરી હતી. ૧૯૭૧માં કેશુભાઈ રાજકોટ જિલ્લાની બેઠક ઉપર વિધાનસભાની ચૂંટણી લડતા હતા ત્યારે રાજકોટથી બુલેટ લઈને વાંકાનેર પ્રચાર માટે જતા હતા. તેમણે કટોકટીના સમયગાળામાં આગેવાનો સાથે જેલવાસ પણ ભોગવ્યો છે.
આ પછી પણ દરેક કાર્યક્રમોમાં સક્રિય ભૂમિકા બજાવવી, સંગઠન મજબુત બને તેવા સઘન પ્રયાસો કરવા એ જ ગોવિદભાઈ માટે જીવનનો મંત્ર રહ્યો હતો. ૧૯૭૫માં મહાપાલિકાની ચૂંટણીમાં જનતા મોરચો સત્તા ઉપર આવ્યો અને અરવિદભાઈ મણિયાર મેયર બન્યા ત્યારે પણ ખુબ જ સક્રિય ભૂમિકા ભજવી હતી. ૧૯૮૧માં શિક્ષણ સમિતિના સભ્ય બન્યા અને ૧૯૮૫માં ચેરમેન બન્યા. સતત ૭ વર્ષ સુધી ચેરમેન રહીને નવી શાળાઓ બંધાવી આપી અને શિક્ષણનું સ્તર પણ ઉપર લાવ્યા. ૧૯૯૧માં ભાજપ હાઈ કમાન્ડે મેયર બનવા માટે કહ્યું પણ પોતે જુનિયર છે તેમ કહીને ગોવિદભાઈએ સવિનય ઇનકાર કર્યો હતો અને પછી પક્ષે વજુભાઈ વાળાને મેયર બનાવ્યા હતા. ૨૦૦૭માં વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે પક્ષે ટીકીટ આપી અને રાજકોટ ૬૮-૭૦ની બેઠક ઉપર લડ્યા હતા. ચૂંટણી લડ્યા એટલું જ નહી પણ જાયન્ટ ગણાતા કોંગ્રેસના જયેશભાઈ રાદડિયાને ૪૦ હજાર મતે હરાવ્યા હતા. આ પછી ૨૦૧૨માં ફરી ટીકીટ મળી અને કોંગ્રેસના મિતુલ દોંગાને હરાવ્યા..૨૦૧૭માં કોંગ્રેસના દિનેશ ચોવટિયાને પરાજય આપ્યો.. આમ ગોવિદભાઈએ જીતની હેટ્રિક કરી હતી. આ દરમિયાન તેમને મંત્રી પણ બનાવાયા હતા. ગોવિદભાઈ રાજકોટની પાણીની સમસ્યાથી કાયમ ચિતિત રહ્યા છે. તેમણે કહ્યું કે, અત્યારે સૌની યોજનાથી ડેમ ભરી દેવામાં આવે છે પણ તેમાંથી બાષ્પીભવન ઘણું થઇ જાય છે અને ડેમ જલ્દી ખાલી થઇ જાય છે. આ સમસ્યાનો ઉકેલ એ છે કે મચ્છુ ડેમમાંથી પાણી લીફટીંગ કરવાની સરકાર મંજુરી આપે અને પાણી ડેમમાં ઠાલવ્યા વગર સીધા ફિલ્ટર પ્લાન્ટ સુધી પહોચે. જો આમ થાય તો પાણીની બચત પણ થશે અને રાજકોટને વગર ચિતાએ પાણીની સમસ્યા હલ થઇ જાય.
રાજકોટને શું શું મોટી ભેટ આપી
- આજી ડેમ ઝૂ
- પ્રદ્યુમન પાર્ક ઝૂ
- સોરઠીયાવાડી ચોક ડેવલપમેન્ટ
- સિંદુરીયા ખાણ સ્વિમિગ પુલ
- ૮૦ ફૂટના રોડ ઉપર બ્રિજ
- શિક્ષણ સમિતિની ૧૨ શાળાના નવા બિલ્ડીંગ
- લક્ષ્મીનગર અંડરબ્રીજ
- સાયન્સ સેન્ટર