હીટવેવથી કેવી રીતે બચવું? માઈકથી કરાઇ રહ્યો છે પ્રચાર
રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા જુદી-જુદી ટીમો બનાવાઇ: ગામડાઓમાં ગરમીથી બચવા અંગેના બેનર લગાવાયા
રાજકોટમાં અસહ્ય ગરમી પડી રહી છે અને ગરમીનો પ્રકોપ વધતાં હવે તો રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે તેવામાં જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા ગરમીથી બચવા અને ગ્રામ્ય વિસ્તારોમાં જુદી-જુદી ટીમ બનાવી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.
રાજકોટ સહિત જિલ્લામાં પણ હાલ ગરમીનો પ્રકોપ વધ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી મહતમ તાપમાન ૪૦ ડિગ્રીને પાર થઈ ગયું છે. તેમાં પણ બે દિવસથી તાપમાનનો પારો ૪૪ ડિગ્રીને પર થઈ જતાં લોકોને આકાશમાંથી જાણે આગ વરસતી હોય તેવો અનુભવ થઈ રહ્યો છે. આવા સમયે કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા મનરેગાના શ્રમિકો માટે પાણી તેમજ છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેવુ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગમાંથી જાણવા મળી રહ્યું છે.
આ ઉપરાંત અસહ્ય ગરમીને કારણે હીટવેવથી લૂ લાગવાની શક્યતા રહેલી છે. આ સંજોગોમાં ગરમીથી કઈ રીતે બચવું તે માટે આરોગ્ય વિભાગ દ્વારા જુદી-જુદી ટીમ બનાવવામાં આવી છે અને ગ્રામ્ય વિસ્તારોમાં માઇક દ્વારા ગરમીથી બચવાના ઉપાયો, લૂ લાગે તો પ્રાથમિક સારવારમાં શું કરવું? વગેરે જેવી બાબતોની સમજ આપવામાં આવી રહી છે. તો બીજી તરફ સીએચસી અને પીએચસી સેન્ટરો પર ઓઆરએસનો પૂરતો જઠતો પણ ઉપલબ્ધ હોવાનું ઇન્ચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પપ્પુ સિંઘ દ્વારા જણાવ્યું હતું.
આરોગ્ય વિભાગ દ્વારા પત્રિકાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ જસદણ, વિરપુર, ગોંડલ જેવા શહેરોમાં મોટા બેનર પણ લગાવવામાં આવ્યા છે.