જામનગર હાઇવે ઉપર હીટ એન્ડ રન, પદયાત્રી બે ભાઈઓના મોત
મોબાઈલ નો રીપ્લાય થતા પરિવારે સંપર્ક કરતા જાળી માંથી મૃતદેહ મળ્યા
જામનગર હાઇવે ઉપર હીટ એન્ડ રનની ઘટનામાં અજાણ્યા વાહને પદયાત્રી બે પિતરાઈ ભાઈઓને હડફેટે લેતા આ અકસ્માતના બનાવમાં બન્ને ભાઈઓના કરુણ મોત થતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.
મૂળ કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામના વતની દેવેન્દ્રસિંહ ગલતુભા જાડેજા (ઉ.વ.50) તેમજ તેનો પિતરાઈ ભાઈ નરવીનસિંહ બળવંતસિંહ જાડેજા (ઉ.વ.50) ઉર્ફે નીતિનને પગપાળા ચાલીને મામા દેવના મંદિરે જવાની માનતા રાખી હોવાથી તેઓ રાત્રિના સમયે પદયાત્રા કરીને નીકળ્યા હતા. દરમિયાન પડાણા અને કાનાલુસ ગામ વચ્ચેના માર્ગ પર કોઈ અજાણ્યા વાહન ચાલકે બંને પદયાત્રી ભાઈઓને ઠોકર મારી કચડી નાખતાં બંનેના કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા હતા. પદયાત્રાએ નીકળેલા બન્ને ભાઈનો પરિવાર દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કરતા બન્ને ભાઈઓના મોબાઇલ ફોન નો રિપ્લાય થતો હતો, જેથી પરિવારના સભ્યો તેઓને શોધવા માટે નીકળ્યા હતા. તપાસ કરતા બંને પિતરાઈ ભાઈઓ બાવળની જાળીમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. જેથી પરિવારમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું હતું.