હીરાસર એરપોર્ટનું “હિર”: એક વર્ષમાં પેસેન્જર્સ 1 મિલિયનને પાર
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનો નવો રેકોર્ડ:હંગામી ટર્મિનલમાં 10 લાખ પેસેન્જર્સનું આવાગમન, હવે નવાં ટર્મિનલ પરથી નવી ફલાઈટની ઉડાન સાથે ટ્રાફિક વધશે
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટએ એક વરસમાં “હિર” બતાવી 1 મિલિયન( 10 લાખ) પેસેન્જર્સનો રેકોર્ડ નોંધાવ્યો છે. વર્ષ 2023 માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં હસ્તે હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના ઉદઘાટન બાદ હંગામી ટર્મિનલ પરથી પેસેન્જરની અવર-જવર રહી હતી તેમ છતાં એક વરસમાં રાજકોટ એરપોર્ટએ નવો રેકોર્ડ બનાવ્યો છે અને વર્ષ 2024 દરમિયાન 5,35,966 પેસેન્જરોનું અન્ય શહેરોમાંથી ટ્રાવેલિંગ કરીને રાજકોટ એરપોર્ટ પર આગમન અને રાજકોટ એરપોર્ટ પરથી 5,17,375 પેસેન્જર્સએ ટેક ઓફ કર્યું છે.
વર્ષ 2024 દરમિયાન કુલ 10,53,341 પેસેન્જર્સનું આવાગમન સાથે નવી સિદ્ધિ મેળવતાં એરપોર્ટ ઓથોરિટીએ રાજકોટ એરપોર્ટને અભિનંદન પાઠવ્યા હતા.તાજેતરમાં એરપોર્ટનું મુખ્ય ટર્મિનલ પણ શરૂ થઈ જતાં હવે રાજકોટથી ડોમેસ્ટિક ફલાઈટની કનેક્ટિવિટી સમર શેડ્યુલથી વધી જશે આ ઉપરાંત ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરવા એરપોર્ટ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. કસ્ટમ અને ઇમિગ્રેશન સહિત સંબંધિત વિભાગો સાથે સંકલન શરૂ કરવામાં આવ્યું છે.
આગામી સમય શેડ્યુલમાં નવી ઇન્ટરનેશનલ ઉપરાંત ડોમેસ્ટિક ફ્લાઈટ પણ રાજકોટને મળે તેવી શક્યતાઓ વચ્ચે રાજકોટ એરપોર્ટ પરથી દિવસે ને દિવસે ટ્રાફિક વધી રહ્યો છે. અમદાવાદ અને મુંબઈ એરપોર્ટની સુવિધા જેવી જ સુવિધા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ના ટર્મિનલમાં આપવામાં આવી છે. જેનાથી પેસેન્જરો પણ પ્રભાવિત થઈ રહ્યા છે.
હજુ સવારની દિલ્હીની ફલાઇટ શરૂ થાય તો ટ્રાફિક વધે..
16 ફેબ્રુઆરી થી રાજકોટ થી દિલ્હી માટેની સવારની ફ્લાઈટ ઉડાન ભરશે તેવા સમાચારો વચ્ચે આ ફ્લાઈટ હજુ સુધી શરૂ કરવામાં આવી નથી, ઈન્ડિગો દ્વારા સવારની ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી આ બાબતે એરલાઇન્સ ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાજકોટ એરપોર્ટ પરથી સવારની ફ્લાઈટના સ્લોટ સાથે મંજૂરી પણ મળી ગઈ છે. જ્યારે હજુ સુધી દિલ્હીથી સવારની આ ફ્લાઈટ માટે સ્લોટ ન મળ્યો હોવાથી આ ફલાઈટની ઉડાન અધવચ્ચે અટકી પડી છે.
જાન્યુઆરી મહિનામાં 1 લાખ પેસેન્જર્સની ઉડાન
27 જુલાઈ 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થયેલા હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના એક વર્ષમાં એક મિલિયન પેસેન્જરોના આવાગમન સાથે નવો રેકોર્ડ રચ્યો છે. ચાલુ વર્ષમાં જાન્યુઆરીના એક મહિનામાં જ એક લાખ પેસેન્જરો એ એરપોર્ટની મુલાકાત લીધી છે જેમાં 55210 પેસેન્જર આવ્યા છે અને 54,888 પેસેન્જરોએ ઉડાન ભરી છે.