જેમનું કોઈ નથી સાંભળતું તેમને સાંભળે છે હિમાબેન શાહ
વડિલોના દિલની વાત' સાંભળી મન
હળવું’ કરાવવાની અદકેરી પ્રવૃત્તિ
એક દશકાની અંદર રાજકોટના અનેક વડિલોને સાંભળ્યા, સમજાવ્યા, હસાવ્યા, જમાડ્યા
આજના જમાનામાં કોઈને વાત કરવા માટે એક મિનિટનો સમય નથી હોતો ત્યારે હિમાબેન બબ્બે કલાકનો સમય ફાળવે છે; એ પણ વિનામૂલ્યે
શહેરના કોઈ પણ ખૂણેથી વડિલો સાથે બેસીને સમય પસાર કરવાની વાત આવે એટલે હિમાબેન તેમને ત્યાં અચૂક પહોંચી જાય છે
નારી તું કદી ન હારી, નારી તું નારાયણી…આ સહિતના વાક્યોનું એક આખું પુસ્તક લખી નાખીયે છતાં જગ્યા ખૂટી પડે તેવી મહિલાની ત્યાગ કરવાની વૃત્તિ, છેવટ સુધી ઝઝૂમી લેવાની પ્રવૃત્તિ સહિતનું લખાણ લખી શકાય…! વોઈસ ઓફ ડે' દ્વારા દર સપ્તાહે નારીઓને બિરદાવતી એક કોલમ
વિમેન્સ સ્પેશ્યલ’ પ્રસિદ્ધ કરવામાં આવે છે જેના આ વખતના એપિસોડમાં એક એવા મહિલા છે જેમની અલાયદી પ્રવૃત્તિ જાણી ચોકક્સપણે સૌ આશ્ચર્યમાં ગરકાવ થઈ જશે ! આજનો યુગ એટલો બધો ફાસ્ટ છે કે કોઈને કોઈ સાથે વાત કરવાનો સમય હોતો નથી. ભાગ્યે જ સપ્તાહમાં એકાદ દિવસ સૌ ભેગા મળીને સમય પસાર કરતા હોય છે. આ બધામાં ઘરના વડિલો કે જેઓ હવે બહાર નીકળી શકતા નથી તેમની એકલવાયું જીવન પસાર કરવા સિવાય છૂટકો હોતો નથી. આ વડિલો પોતાના દિલની વાત કહેવા માંગતા હોય છે પરંતુ તેમને સાંભળવાવાળું કોઈ હોતું નથી ત્યારે તેમના દિલની વાત જાણી તેમને હળવાફૂલ કરી દેવાની પ્રવૃત્તિ રાજકોટના બિઝનેસવિમેન હિમાબેન રાજુભાઈ શાહ કરી રહ્યા છે.
હિમાબેન શાહ જણાવે છે કે તેમના પતિ રાજુભાઈ શાહને શાપર ખાતે અવિનાશ કિચનવેર નામની ફેક્ટરી ચલાવે છે જે છેલ્લા ૩૨ વર્ષથી કાર્યરત છે. અહીં કિચનવેર, ઈલેક્ટ્રિક સહિતની ૧૦૦૦થી વધુ વસ્તુઓનું ઉત્પાદન તેમજ વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ વ્યવસાય સાથે હિમાબેન શાહ પણ જોડાયેલા છે. જો કે તેમને કંઈક અલગ કરવાની ખેવના હોય આ માટે તેમણે અલગ જ રસ્તો પસંદ કર્યો અને નક્કી કર્યું કે રાજકોટના કોઈ પણ વડિલ હોય, બીમાર હોય કે એકલા હોય તેમની પાસે વાતો કરવા જવાનું…તેમણે આ પ્રવૃત્તિ શરૂ કરી ત્યારે સૌને આશ્ચર્ય થઈ રહ્યું હતું પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ તેઓ સફળ થતાં ગયા અને આજે આ પ્રવૃત્તિને એક દશકો વીતી ગયો છે છતાં હજુ પણ વડિલો હિમાબેન શાહને યાદ કર્યા વગર રહેતા નથી !
હિમાબેન કહે છે કે અત્યારે ઘણા ઘર એવા હોય છે જે પૈસે ટકે એકદમ સુખી-સંપન્ન હોય છે પરંતુ આ જ ઘરમાં વડિલો હોય તે કશું બોલે તો કોઈને ગમતું નથી એટલા માટે જ મને આવા વડિલોને સાંભળવાનું મન થાય છે અને હું પણ આ કાર્યથી એકદમ ખુશ છું.
પ્રેરણા કેવી રીતે મળી ?
આખરે આ અદકેરું કાર્ય કરવાની પ્રેરણા કેવી રીતે મળી ? આ પ્રશ્નનો ઉત્તર આપતાં હિમાબેન કહે છે કે તેમના પપ્પા રતિભાઈ દેસાઈ કે જેઓ મેયર તરીકે કાર્યરત રહી ચૂક્યા છે. ૧૯૭૯ની મોરબી હોનારત વખતે હિમાબેન પોતાનો ભાઈ ગુમાવ્યો હતો. જો કે પિતા રતિભાઈએ હિંમત હાર્યા વગર લોકોની સેવા કરવાનું યથાવત રાખ્યું હતું એટલા માટે તેમનામાંથી જ તેમને આ પ્રકારની સેવા કાર્ય કરવાની પ્રેરણા મળી હતી.
હિમાબેનના યાદગાર અનુભવ
અનુભવ: ૧
હિમાબેન જણાવે છે કે શહેરના એક મહિલા કે જેમના પગનું ઓપરેશન કરાવેલું હોવાથી ચાલી શકતા ન્હોતા. આ જ વેળાએ કોરોનાએ તેમના ૪૦ વર્ષીય પુત્રીનો ભોગ લઈ લેતાં તેઓ સાવ ભાંગી પડ્યા હતા. સદ્નસીબે ત્યારે મને તે મહિલા પાસે જઈને વાત કરવાની તક મળી હતી. શરૂઆતમાં તો તેઓ વાત કરતા અચકાતા હતા પરંતુ સમય પસાર થતાં તેઓ હળીમળી ગયા હતા. તેઓ સૂતાં એટલે સામે જ દીકરીની તસવીર મુકતા હતા. આ પછી મેં તેમને દિવસો દિવસ સમજણ આપી હતી કે આ પ્રકારે તસવીર સામે મુકવાથી તમને જ દુ:ખ થશે. પહેલાં તો તેઓ માન્યા ન્હોતા પરંતુ મેં હાર માન્યા વગર સમજાવતા આખરે તેમણે તસવીર હટાવી લીધી હતી.
અનુભવ: ૨
કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિર પાછળ એક વૃદ્ધ યુગલ એકલું રહેતું હતું. તેમના પુત્રી અમેરિકામાં રહે છે. જો કે તેઓ ચાલતા ન હોવાથી મેં ત્યાં પહોંચી જઈને સમજણ આપી હતી. આ પછી એમના અમેરિકા ખાતે રહેતા દીકરી સાથે પણ વાત કરી હતી. આ યુગલ દીકરીનું માનતું ન હોવાથી તેણે મને સમજાવવા માટે કહ્યું હતું. મેં તેમને સમજાવ્યા હતા પરંતુ એક દિવસ તેમણે મોઢેમોઢ કહી દીધું હતું કે `જો તમારે આવું બધું કરવું હોય તો અમારે ત્યાં નહીં આવવાનું’ એકંદરે આ અનુભવ થોડો ખરાબ રહ્યો હતો.
હિમાબેન અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા
હિમાબેન શાહ વડિલો સાથે સમય પસાર કરવાની પ્રવૃત્તિ ઉપરાંત અન્ય સેવાકીય કાર્યો સાથે પણ જોડાયેલા છે. તેઓ જીવદયા ગ્રુપ, વડિલ વંદના ગ્રુપ, જૈન વિઝન ગ્રુપ-પાંજરાપોળ ઉપરાંત જૈન સમાજ માટે મેટ્રોમોનિયલ પણ ચલાવે છે. આ ઉપરાંત ભાજપમાં પણ કારોબારી સભ્ય તરીકે સક્રિય છે તો કેસરિયા હિન્દુવાહિનીના જિલ્લા સંગઠન મંત્રી તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે.
એક અકસ્માત નડ્યો’ને હિમાબેનનું જીવન બદલાયું
વર્ષો પહેલાં હિમાબેનને અકસ્માતને કારણે મલ્ટીપલ ફ્રેક્ચર થયું હતું જેના કારણે મહિનાઓ સુધી પથારીવશ રહેવું પડ્યું. ખાસ કરીને જાહેરજીવન સાથે સંકળાયેલી વ્યક્તિને બેડ પર સૂતું રહેવું પડે તે અત્યંત તકલીફભર્યું હોય છે. એકંદરે આ દરમિયાન તેમણે જે માનસિક યાતના ભોગવી તેમાંથી જ પ્રેરણા લઈ આ પ્રકારનું કાર્ય શરૂ કર્યું હતું.
હિમાબેનનો સંપર્ક કેવી રીતે સાધી શકશું ?
હિમાબેન શાહ શહેરમાં રહેતાં કોઈ પણ વડિલ પાસે જઈને તેમના મનની વાત જાણશે. આ માટે તેમના મો.નં.૯૨૬૫૪ ૮૩૪૩૨ અથવા ૯૪૨૬૦ ૫૧૯૩૦ ઉપર સંપર્ક કરી શકાશે.