સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવ: રાજકોટમાં તાપમાન ફરી 41 ડિગ્રીને પાર
હવામાન વિભાગે 4 દિવસ ગરમીનું જોર રહેવાની કરી આગાહી
ગુજરાત સહિત દેશના કેટલાક રાજ્યોમાં આગ ઝરતી ગરમી પડી રહી છે. મહતમ તાપમાનનો પારો 41 ડિગ્રીને પર થઈ જતાં લોકો ગરમીથી પરેશાન થઈ ગયા છે. રાજકોટમાં પણ ગુરુવારે મહતમ તાપમાન સતત બીજા દિવસે 41 ડિગ્રીને પાર રહેતા બપોરના સમયે રાજમાર્ગો પર લોકોની અવર-જવર ઓછી થઈ ગઈ હતી.
માર્ચ મહિનાના છેલ્લા સપ્તાહમાં દેશના કેટલાક રાજ્યોમાં અસહ્ય ગરમી પડી રહી છે. ગુજરાત ઉપરાંત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, બિહાર, રાજસ્થાન, તેલંગાણા, મધ્યપ્રદેશ, ઓડિશ અને આંધપ્રદેશમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ચૂક્યો છે. આવા સમયે ભારતીય હવામાન વિભાગે આગામી બે-ત્રણ દિવસ કેટલાક રાજ્યોમાં તાપમાન સરેરાશ કરતાં વધુ રહેવાની આગાહી કરી છે. આગામી દિવસોમાં ગરમીનું જોર વધુ રહેશે.
જ્યારે રાજ્યના હવામન વિભાગે આગાહી કરી છે કે, આગામી 4 દિવસ ગરમીનું જોર રહેશે. રાજ્યના કચ્છ, બનાસકાંઠા, અમદાવાદ અને રાજકોટમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ રાજકોટ અને ભુજમાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર રહ્યો હતો. મહત્વનું છે કે, રાજ્યના કેટલાક શહેરોમાં પડી રહેલી અસહ્ય ગરમીને કારણે જનજીવન પર માઠી અસર પડી રહી છે. લોકો ગરમીને કારણે બપોરના સમયે જરૂરી કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.