ગરમીથી તૌબા-તૌબા, રાજકોટમાં 43.6
અમદાવાદ, સુરેન્દ્રનગર અને કંડલા એરપોર્ટ ઉપર 43.5 ડિગ્રી તાપમાન
રાજકોટ : આખો એપ્રિલ માસ આકાશમાંથી અગનગોળા વરસ્યા બાદ 1લી મે વીતવા છતાં ગરમીમાંથી રાહતના અણસાર નથી ત્યારે સમગ્ર રાજ્યમાં ગુરુવારે પણ રાજકોટ સૌથી ગરમ શહેર નોંધાયું હતું. ગુરુવારે રાજકોટમાં 43.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. ઉપરાંત અમદાવાદ, સુરેન્દ્રનગર અને કંડલા એરપોર્ટ ઉપર મહત્તમ તાપમાનનો પારો 43.5 ડિગ્રી પહોંચી ગયો હતો.
રાજ્યમાં આગામી 3 મેથી પ્રિમોન્સુન એક્ટિવિટી શરૂ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે ત્યારે ગુરુવારે કચ્છમાં હિટવેવની સ્થિતિ જોવા મળી હતી. આગામી 3મેથી રાજ્યના ઉત્તર ગુજરાતના જિલ્લામાં 30થી 40 કિલોમીટરની ઝડપે તેજ પવન અને ગાજવીજ સાથે પ્રિમોન્સુનની આગાહી કરવામાં આવી છે છતાં રાજ્યમાં ગરમીમાં રાહત મળી નથી. ગુરુવારે રાજ્યમાં સૌથી વધુ રાજકોટમાં 43.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જયારે અમદાવાદ, સુરેન્દ્રનગર અને કંડલા એરપોર્ટ ઉપર 43.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત ગાંધીનગરમાં 43 ડિગ્રી, ડીસા અને અમરેલીમાં 42.8, ભુજમાં 41.0, વડોદરામાં 40.6, કેશોદમાં 40.3, દીવમાં 40.0, ભાવનગરમાં 39, સુરતમાં 38.6, અને નલિયામાં તેમજ પોરબંદરમાં 37.0 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.