હરો,ફરો,મોજ કરો…૬૭ દિવસ બાદ આજથી ફરી અટલ સરોવર શરૂ
અગ્નિકાંડ બાદ બંધ કરી દેવાયું’તું: ટિકિટ ખરીદી માટે પડાપડી ન થાય તે માટે કાઉન્ટર વધારાશે
અત્યારે માત્ર પાર્ક જ ખુલ્લો મુકાશે, ટોય ટે્રન, રાઈડસ, બોટિંગ શરૂ નહીં કરાય
મર્યાદિત સંખ્યામાં જ અપાશે પ્રવેશ: માત્ર ફાઉન્ટેશન-શોનો લાભ મળશે
ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડને કારણે ગેઈમ ઝોન, ફન ઝોન, એમ્યુઝમેન્ટ પાર્ક સહિતના મનોરંજનના સ્થળો બંધ કરી દેવામાં આવતાં લોકોમાં ખાસ્સો કચવાટ વ્યાપી જવા પામ્યો હતો. બીજી બાજુ રાજકોટીયન્સમાં બહુ ટૂંકા ગાળામાં લોકપ્રિય બની ગયેલા અટલ સરોવરને પણ બંધ કરી દેવામાં આવતાં ફરવા ક્યાં જવું તેવો પ્રશ્ન છેલ્લા ૬૭ દિવસથી લોકોના માનસમાં ઘૂમરાઈ રહ્યો હતો. જો કે તહેવારો નજીક આવતાં જ મહાપાલિકા દ્વારા લોકોના ધસારાને ધ્યાનમાં રાખી આવતીકાલથી અટલ સરોવર ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ અંગે પદાધિકારીઓ-અધિકારીઓ દ્વારા જણાવ્યા પ્રમાણે શ્રાવણ માસના તહેવારને ધ્યાનમાં રાખી આજથી અટલ સરોવર ફરી શરૂ કરવામાં આવશે. બીજી બાજુ ટિકિટ ખરીદી માટે પડાપડી થયાના કિસ્સા પાછલા દિવસોમાં બની જતાં આવી સ્થિતિ નિર્માણ ન પામે તે માટે ટિકિટ કાઉન્ટર પણ વધારવામાં આવશે. અત્યારે ચાર કાઉન્ટર કાર્યરત છે જે લોકોના ધસારાને ધ્યાનમાં રાખી ૨૦ સુધી કરવામાં આવશે. આ ઉપરાંત અત્યારે માત્ર પાર્ક જ ખુલ્લો મુકાશે અને તેના સિવાય માત્ર ફાઉન્ટેશન-શોનો લાભ જ લોકોને મળશે. અત્યારે ટોય ટ્રોન, ફેરિસ વ્હીલ સહિતની રાઈડ તેમજ બોટિંગ શરૂ કરવામાં આવશે નહીં.
બીજી બાજુ સલામતિને ધ્યાનમાં રાખી અટલ સરોવરમાં ઘેટાં-બકરાંની જેમ લોકો એકઠા ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે અને ખાસ કરીને મર્યાદિત સંખ્યામાં જ પ્રવેશ આપવા માટે સંચાલકોને મહાપાલિકા દ્વારા તાકિદ કરવામાં આવી છે.