કચ્છના નર્સ ગૌરીબેનના હત્યારાને ફાંસી આપો : રજુઆત
ગુજરાત ગુરુબ્રાહ્મણ સમાજ રાજકોટ ઘટક દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન
રાજકોટ : કચ્છના માંડવી તાલુકાના ગોધરા ( અંબેધામ) ગામે નર્સ ગૌરીબેન તુલસી ગરવાની સરાજાહેર તલવાર અને ગુપ્તીના ઘા ઝીકી હત્યા કરવાના બનાવમાં આરોપીને ફાંસીના માંચડે લટકાવવા ઝડપી ન્યાય માટેની માંગ કરી મૃતકના પરિવારજનોને આર્થિક સહાય આપવા તેમજ ખાસ સરકારી વકીલની નિમણુંક કરવા ગુજરાત ગુરુબ્રાહ્મણ સમાજ રાજકોટ ઘટક દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ગુજરાત ગુરુબ્રાહ્મણ સમાજ રાજકોટ ઘટક દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી માંગ કરવામાં આવી હતી કે, કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગોધરા (અંબેધામ) ગામે ગત તા:૩૦/૧૨/૨૦૨૪ના વહેલી સવારે તલવાર અને ગુપ્તીના અસંખ્ય ઘા ઝીકી આરોપી સાગર સંધાર રહે. ગામ કોડાય તા.માંડવી વાળાએ હત્યા કરવાના બનાવમાં આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરી ફાંસી સુધી ની સજા અપાવવા તેમજ હત્યાનાં આ બનાવ ને “રેર ઓફ ધી રેર” ના કેસ ગણવા માંગ કરી તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિવેશન ટીમની રચના કરી મૃતક અપરણિત દીકરીના પરિવારના સભ્યને રહેમરાહે નોકરી આપવા ઉપરાંત મુખ્યમંત્રી રાહત ફંડમાંથી એક કરોડલું વળતર આપવા માંગ ઉઠાવી હતી.