ગાંધીગ્રામમાં આવેલા રવિરાજ આઈસ્ક્રીમમાંથી અધધ ૭૦૦૦ કિલો વાસી મલાઈ પકડાઈ
શહેરમાં અત્યાર સુધી ક્યારેય ન પકડાયો હોય એટલો જથ્થો મળી આવતાં ચકચાર
ત્રણ મહિના પહેલાં જ એક્સપાયરી ડેટ વીતાવી ચૂકેલી વાસી મલાઈ રફાળા ગામથી રૈયા રોડ પર આવેલી જનતા ડેરીમાં અને ત્યાંથી રવિરાજ આઈસ્ક્રીમમાં સપ્લાય થતી હોવાનું ખુલ્યું: લોકોના આરોગ્ય સાથે ખીલવાડ કરતાં તત્ત્વોને આકરો પાઠ' ભણાવવો જરૂરી-લોકમત વૉઈસ ઑફ ડે, રાજકોટ રાજકોટમાં લોકોને વાસી અને અખાદ્ય વાનગીઓ ધાબડી દેવામાં જરા અમથી પાછીપાની નહીં કરતાં નફાખોરો ઉપર ફૂડ શાખા
કાળ’ બનીને ત્રાટકી રહી હોય તેવી રીતે ઠેર-ઠેર દરોડા પાડવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ મોરબી રોડ પરથી પાંચ હજાર કિલો વાસી મીઠો માવો પકડ્યા બાદ ફૂડ શાખાએ હવે ગાંધીગ્રામમાં આવેલા રવિરાજ આઈસ્ક્રીમ પર દરોડો પાડીને અધધ ૭૦૦૦ કિલો વાસી મલાઈ પકડી છે. એકંદરે શહેરમાં અત્યાર સુધીમાં ક્યારેય ન પકડાયો હોય એટલો વાસી મલાઈનો જથ્થો મળી આવતાં ચકચાર પણ મચી જવા પામી છે.
ફૂડ શાખાના સ્ટાફ દ્વારા રવિરાજ આઈસ્ક્રીમ પર દરોડો પાડ્યા બાદ ૭ ટન જેટલો વાસી મલાઈનો જથ્થો પકડીને તેનો નાશ કરવાની તજવીજ શરૂ કરી હતી. પ્રારંભીક તપાસમાં એવો ખુલાસો થયો છે કે આ મલાઈનું ઉત્પાદન શહેરની ભાગોળે રફાળા ગામે આવેલા જનતા મીલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટ નામની પેઢીમાંથી તૈયાર કરીને રૈયા રોડ પર આવેલી જનતા ડેરીમાં સપ્લાય કરવામાં આવી રહી હતી અને ત્યાંથી આ મલાઈ રવિરાજ આઈસ્ક્રીમમાં મોકલવામાં આવતી હતી. જ્યાં આ દરોડો પડ્યો છે તે રવિરાજ આઈસ્ક્રીમનું કોલ્ડ સ્ટોરેજ હોવાનું અને ત્યાં આ જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હોવાનું ધ્યાન પર આવ્યું છે. મહત્ત્વની બાબત એ છે કે મલાઈનો આ જથ્થો અંદાજે ત્રણેક મહિના પહેલાં જ એક્સપાયર થઈ ગયો હોવા છતાં તેનું બેરોકટોકપણે વેચાણ ચાલી રહ્યું હતું !!
આઈસ્ક્રીમ, ગોલા, પંજાબી ફૂડમાં આ જ મલાઈનો ઉપયોગ
ફૂડ શાખાના અધિકારી સૂત્રોએ જણાવ્યું કે આ પ્રકારની મલાઈનો ઉપયોગ ખાસ કરીને આઈસ્ક્રીમ, ગોલા બનાવવા ઉપરાંત પંજાબી ફૂડમાં થતો હોય છે. લોકોમાં છેલ્લા ઘણા સમયથી બહારનું ભોજન તેમજ આઈસ્ક્રીમ-ગોલા ખાવાનો ટે્રન્ડ વધ્યો હોય સસ્તા ભાવની આવી મલાઈ ખરીદીને લોકોના આરોગ્ય સાથે ખીલવાડ કરવામાં આવી રહ્યો છે.
આ પ્રકારનો મલાઈયુક્ત આઈસ્ક્રીમ-ગોલા કે ફૂડ ખાધાં એટલે બીમાર પડવાનું નક્કી !
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ પ્રકારની વાસી મલાઈવાળો આઈસ્ક્રીમ, ગોલા કે ફૂડ ખાવામાં આવે એટલે ફૂડ પોઈઝનિંગ ઉપરાંત પેટના રોગો થવાની પૂરેપૂરી સંભાવના છે. આ ઉપરાંત લાંબા ગાળે કેન્સર સહિતના રોગો પણ થઈ શકે છે.