કચરા માટે ખર્ચાશે અધધ ૧૦૦૦ કરોડ !
ખખડધજ ટીપરવાનને અપાશે વિદાય', નાની-નાની ગલીઓમાં જઈને કચરો એકઠો કરાશે, દર છ વર્ષે ટીપરવાન ખરીદાશે, ન્યુસન્સ પોઈન્ટ પરથી દિ'માં બે વખત કચરો ઉઠાવાશે
વર્ષે ૫૨.૫૭ કરોડનો ખર્ચ કર્યા બાદ પણ જોઈએ તેવું પરિણામ મળતું ન્હોતું, હવે ૯૬ કરોડનો ખર્ચ કરી રાજકોટને સ્વચ્છ બનાવશે મહાપાલિકા
વડોદરા-અમદાવાદની એજન્સીને ૧૦ વર્ષનો અપાશે કોન્ટ્રાક્ટ:
ક્રાંતિકારી’ દરખાસ્તને આજે સ્ટેન્ડિંગ કમિટી લગાવશે મંજૂરીની મ્હોર
દેશના દરેક શહેર-ગામડા સ્વચ્છ રહે તે માટે કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા અનેક ક્રાંતિકારી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના શહેરોને `સાફ’ રાખવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે પરંતુ હજુ સુધી ધાર્યું પરિણામ મળી રહ્યું ન હોવાથી આ દિશામાં હજુ વધુ મહેનત કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રાજકોટની વાત કરવામાં આવે તો અત્યાર સુધી ટીપરવાન દ્વારા કચરો એકત્રિત કરવામાં આવી રહ્યો હતો અને વર્ષે તેના પાછળ અડધા અબજ જેવો ખર્ચ મહાપાલિકા કરતી હતી પરંતુ સફાઈનું માપદંડ સુધરવાનું નામ લઈ રહ્યું ન હોય હવે એક અત્યંત મહત્ત્વનો નિર્ણય આજે લેવા જઈ રહી છે. એકંદરે કચરો એકઠા કરવા પાછળ મહાપાલિકા દ્વારા આજે ૧૦૦૦ કરોડના ખર્ચની દરખાસ્તને મંજૂરી આપવા જઈ રહી છે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું કે વર્ષોથી ટીપરવાન મારફતે કચરો એકઠો કરવામાં આવી રહ્યો હતો પરંતુ ટીપરવાન ન આવ્યાની, બંધ પડી ગયાની, ઘર સુધી નહીં આવી રહ્યા સહિતની અનેક ફરિયાદ મળી રહી હતી. આ તમામ ફરિયાદોનો અંત લાવી શહેરના દરેક ઘરમાંથી વ્યવસ્થિત રીતે કચરો એકઠો થાય અને તેનો સુવ્યવસ્થિત રીતે નિકાલ થાય તે પ્રકારે કેન્દ્ર-રાજ્ય સરકારના સહયોગથી કામગીરી કરવામાં આવશે. આ માટે અમદાવાદ અને વડોદરાની એજન્સીને ૧૦ વર્ષ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવશે જેનો વાર્ષિક ખર્ચ ૧૦૦ કરોડ આસપાસ રહેવાનો અંદાજ છે.
મહાપાલિકા પાસે અત્યારે ૩૨૫ ટીપરવાન ઉપલબ્ધ છે જેના દ્વારા કચરા એકત્રીકરણની કામગીરી કરાઈ રહી છે. એજન્સીને કોન્ટ્રાક્ટ અપાઈ ગયા બાદ ટીપરવાનની સંખ્યા ૫૭૫ થઈ જવા પામશે. આ માટે ત્રણેય ઝોનવાઈઝ કોન્ટ્રાક્ટ અપાશે. ઈસ્ટ અને વેસ્ટ ઝોન માટે વેસ્ટર્ન ઈમેજીનરી ટ્રાન્સકોન પ્રા.લિ. અને સેન્ટ્રલ ઝોન માટે ઓમ સ્વચ્છતા કોર્પોરેશનને કામ આપવાની દરખાસ્ત મ્યુ.કમિશનર દ્વારા કરવામાં આવી છે. મહાપાલિકા દ્વારા દર વર્ષે કચરા એકત્રિકરણ માટે ૫૨.૫૭ કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો હતો છતાં તેનું પરિણામ મળી રહ્યું ન્હોતું જેની સામે હવે ૧૦૦ કરોડનો ખર્ચ કર્યા બાદ સફાઈ બાબતે શહેરની સકલ-સુરત બદલાઈ જવાની શક્યતા નકારી શકાતી નથી. આ એજન્સી દ્વારા નાની-નાની ગલીઓમાં જઈને કચરો એકત્ર કરવા ઉપરાંત તેનો વ્યવસ્થિત રીતે નિકાલ કરવા સહિતની કામગીરી કરાશે સાથે સાથે ન્યુસન્સ પોઈન્ટ કે જ્યાં કચરો વધુ સંખ્યામાં એકઠો થાય છે ત્યાંથી દિવસમાં બે વખત કચરો ઉપાડવામાં આવશે.
શું ફેરફાર થશે ?
હવેની કામગીરી અગાઉની કામગીરી
- ટીપરવાનદીઠ ચાર સુપરવાઈઝર, ઝોનદીઠ એક મેનેજર, એક આઈટી નિષ્ણાત એન્જિનિયર એક ડ્રાઈવર, એક લેબર, ઝોન દીઠ એક સુપરવાઈઝર
- ભીનો, સૂકો, સેનિટરી, જોખમી કચરો અલગ રખાશે તમામ કચરો ભેગો કરી દેવાતો
- પ્લાન્ટ બનાવાશે જેમાં કચરો અલગ કરાશે આવું કોઈ કામ જ ન્હોતું થતું
- લોકોને સૂકા-ભીના કચરા માટે માહિતગાર કરાશે આવું કોઈ કામ જ ન્હોતું થતું
- વધુ કચરો હોય તો અલગ વાહન કોઈ ખાસ જોગવાઈ ન્હોતી
- દરેક ટીપરવાનનું જીપીએસથી ટે્રકિંગ દરેક ટીપરવાનનું જીપીએસથી ટે્રકિંગ
- સોફ્ટવેર આધારિત પ્લાનિંગ આવું કોઈ કામ જ ન્હોતું થતું
- સાંકડી શેરીઓ હોય તો હાથલારી-સાઈકલ દ્વારા કચરો એકઠો કરાશે અગાઉ આવું ન્હોતું થતું
- ઔદ્યોગિક વિસ્તાર માટે અલગ વાહન ખાસ જોગવાઈ ન્હોતી
- દર છ વર્ષે એજન્સીએ નવા મીની ટીપર ખરીદવા પડશો અગાઉ આવું ન્હોતું
- વોર્ડ દીઠ ચાર સેનેટરી ઈન્સપેક્ટર, લાયક મેનેજમેન્ટ કર્મચારી લાયક સુપરવાઈઝરની જોગવાઈ ન્હોતી
- રસ્તા પરની ડસ્ટબિનમાંથી મીની ટીપર મારફતે કચરો ઉઠાવાશે ટે્રક્ટર-ટ્રોલીથી થતો હતો
- દિવસમાં બે વખત અને જરૂર પડ્યે ત્રણ વખત ન્યુસન્સ પોઈન્ટ પરથી કચરો ઉઠાવાશે અગાઉ આવું ન્હોતું થતું
- સોફ્ટવેરના આધારે કામગીરી ફક્ત મીસ પોઈન્ટ ઓફ ઈન્ટરેસ્ટ રિપોર્ટ
- મહત્તમ એક કલાકમાં દરેક પોઈન્ટ સુધી પહોંચવાનું રહેશે અગાઉ આવું ન્હોતું થતું
કંપનીના કર્મીઓ ત્રણ મહિના સુધી ઘેર-ઘેર ફરશે
આજે અમદાવાદ-વડોદરાની કંપનીને કામ અપાઈ ગયા બાદ તેના કર્મચારીઓ ત્રણ મહિના સુધી ઘેર-ઘેર જઈને લોકોને કચરા એકત્રિકરણ અંગેની સમજણ આપશે. ખાસ કરીને સૂકો, ભીનો, સેનિટરી અને જોખમી કચરા અંગેનું જ્ઞાન આપવામાં આવશે અને સર્વે પણ કરવામાં આવશે કે કયા વિસ્તારમાંથી મોટાભાગે કેવા પ્રકારનો કચરો નીકળી રહ્યો છે.