ઓલ ઇન્ડિયા ટેક્સ પ્રેક્ટિસનર્સ ફેડરેશનમાં 48 વરસે ગુજરાતને પ્રતિનિધિત્વ મળ્યું: પ્રેસિડેન્ટ તરીકે સમીર જાની
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ઉજ્જવલ ભુયાનએ સમીર જાનીએ શપથ લેવડાવ્યાં: જૂનાગઢમાં 500 જેટલા તજજ્ઞોની હાજરી:ટેક્સક્ષેત્રમાં ગુજરાતનો દબદબો
ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિસનર્સમાં પ્રથમ વખત ગુજરાતને પ્રતિનિધિત્વ મળ્યું છે અને 48 વર્ષના ઇતિહાસમાં રાષ્ટ્રીય પ્રમુખ તરીકે જૂનાગઢના સમીર જાનીની નિયુક્તિ થતા ગુજરાતના ટેક્સ ક્ષેત્રમાં નવી સિદ્ધિ હાંસલ થઈ છે. શનિવારે જુનાગઢ ખાતે નેશનલ પ્રેસિડેન્ટ સમીર જાનીનો ઇન્સ્ટોલેશન સમારોહ યોજાય ગયો. જેમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ઉજ્જવલ ભુયાન ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નવા પ્રેસિડન્ટ સમીર જાનીને શપથ ગ્રહણ કરાવ્યા હતા.
ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિસનર્સ જે દેશના 29 રાજ્યો તથા ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશ નું પ્રતિનિધિત્વ કરે છે. ટેક્સ માળખા માટે આ મહત્વની સંસ્થા છે જે છેલ્લા 48 વર્ષથી કાર્યરત છે આ સંસ્થાના સ્થાપક પ્રમુખ તરીકે પદ્મશ્રી એન.એમ.પાલખીવાલા રહ્યા છે. ટેક્સને સંબંધિત વિવિધ મુદ્દાઓ અંગે આ સંસ્થા નિયમિત સરકાર સાથે સંકલનમાં હોય છે અને જરૂર પડે સરકારને ટેક્સના નવા નિયમોમાં ફેરફારનું સૂચન પણ કરે છે.
પાંચ દાયકા બાદ પ્રથમ વખત ગુજરાતને ફેડરેશનમાં પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો છે ત્યારે ગુજરાતના ટેક્સ તજજ્ઞોમાં ખુશીનો માહોલ છવાયો છે. શનિવારે યોજાયેલા ખાસ કાર્યક્રમમાં ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ ભાર્ગવ કારીયા, પ્રણવ ત્રિવેદી, ગોહાટી હાઇકોર્ટના ન્યાયાધીશ સૌમિત્ર સાયકયા, સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જસ્ટિસ અનિલ દવે પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત દેશના સિનિયર એડવોકેટ અરવિંદ દાતાર, પદમચંદ ખીચા, ડોક્ટર ગિરીશ આહુજા, કેવીન ગુલાટી, સૌરભ સોપારકર, મુકેશ પટેલ, ઉચિત શેઠ, અભય દેસાઈ સહિત દેશભરમાંથી 500 જેટલા કરવેરા સલાહકારો ઉપસ્થિત રહ્યા હતા.
ટેક્સ શા માટે ભરો છો એ સમજો,ગેરરીતિ અટકશે:સમીર જાની
પ્રમુખપદે શપથ ગ્રહણ કર્યા બાદ સમીર જાનીએ કહ્યું હતું કે સૌથી પ્રથમ મારું લક્ષ્ય આજની યુવા પેઢીને ટેક્સ માટે જાગૃત કરવાની સાથે ટેક્સક્ષેત્રમાં યુથ પેનલ બનાવવાની દિશામાં કામગીરી શરૂ કરીશ આ ઉપરાંત તેમણે લોકોને ખાસ અપીલ કરતા કહ્યું કે તમે ટેકસ ભરો છો પણ શા માટે ભરો છો એ સૌપ્રથમ જાણો જેથી કરીને ટેક્સચોરી અટકશે. સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયો દરેક વખતે ખોટા હોતા નથી. એક જાગૃત નાગરિક તરીકે ટેક્સ ભરવો એ આપણી નૈતિક જવાબદારી છે.