કોમ્પ્લેક્સમાં ગેસ્ટ પાર્કિંગ : વોઈસ ઓફ ડે પ્રજાનો અવાજ બન્યું
મહાપાલિકા અને બિલ્ડરો જાગ્યા : ગેસ્ટ પાર્કિંગનો ગેરકાયદે નિયમ દુર કરાશે

રાજકોટવાસીઓ માટે રોજિંદી બની ગયેલી ટ્રાફિક સમસ્યા માટે અનેક કારણો જવાબદાર છે…રસ્તા સાંકડા છે અને વાહનો વધી ગયા છે…ટ્રાફિક બ્રાંચમાં પોલીસ સ્ટાફ ઓછો છે અને જે છે તે ચોકમાં છાંયડો શોધીને બેસવા જ આવે છે…વોર્ડનની જવાબદારી ટ્રાફિક નિયમનની છે પણ તેઓ આ કામ સિવાયના બધા જ કામ કરે છે..સિગ્નલોનાં ઠેકાણા નથી અને મેમો પણ આડેધડ ઇસ્યુ થાય છે…આવા તો અનેક કારણોસર રાજકોટની પ્રજા ત્રસ્ત છે. આવી સ્થિતિમાં પ્રજાનો અવાજ બનીને જુદા જુદા પ્રશ્નો ઉઠાવી રહેલું વોઈસ ઓફ ડે અખબાર ખરા અર્થમાં જાગૃત પ્રહરી બન્યું છે અને પબ્લિક પાર્કિંગના મુદ્દે આગેવાની લઈને તંત્રને અને બિલ્ડરોને જગાડ્યા છે.
રાજકોટમાં દરેક વિસ્તારમાં રહેણાંક અને વ્યવસાયિક હેતુ માટેનાં કોમ્પ્લેક્સ ખડકાઈ ગયા છે પરંતુ તેમાં જે પાર્કિંગની વ્યવસ્થા છે તે માથાના દુઃખાવારૂપ છે. કોમર્શીયલ કોમ્પ્લેક્સમાં અને રેસીડેન્શીયલ કોલોનીમાં જેમની માલિકીની ઓફીસ કે ફ્લેટ છે તેમને જ વાહન પાર્ક કરવા દેવામાં આવે છે. જો બહારની કોઈ વ્યક્તિ આવા કોમ્પ્લેક્સમાં ખરીદી માટે કે કોઈ કામ માટે જાય તો તેના વાહનને અંદર પ્રવેશ આપવામાં આવતો નથી અને તેઓએ નાછૂટકે વાહન બહાર રોડ ઉપર પાર્ક કરવા પડે છે. આવા લોકો વાહન બહાર પાર્ક કરે એટલે બહાર સમસ્યા સર્જાય છે. રસ્તા સાંકડા છે એટલું જ નહી વાહન રોડ ઉપર પાર્ક કર્યા હોય તો ટ્રાફિક પોલીસની ટોઈંગ વેન આવીને વાહન ઉપાડી જાય છે.
શહેરનાં યાજ્ઞિક રોડ ઉપર આવેલું હીરા પન્ના કોમ્પ્લેક્સ આ સમસ્યાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અહી મોટાભાગે બહેનો ખરીદી માટે આવે છે અને પોતાનું ટુવ્હીલર બહાર પાર્ક કરીને કોમ્પ્લેક્સમાં જાય એટલે થોડી વારમાં જ ટોઈંગ વેન આવીને આ વાહન ઉઠાવી જાય છે. આવું હીરાપન્નામાં જ નહી પણ અનેક કોમ્પ્લેક્સમાં બને છે. આવી સ્થિતિમાં વાહન ચાલકોની હાલત આગળ ખાઈ અને પાછળ કુવા જેવી થઇ જાય છે. કોમ્પ્લેક્સવાળા વાહન અંદર રાખવા ન દ્યે અને બહાર રાખે તો પોલીસ ઉઠાવી જાય.
વોઈસ ઓફ ડેએ આ પ્રશ્નને મૂળમાંથી જ ઉઠાવીને જુદા જુદા વિસ્તારોના કોમ્પ્લેક્સનો તસવીર સાથે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો અને તંત્ર તથા બિલ્ડરો અને કોમ્પ્લેકસની સોસાયટીના હોદેદારોનો કાન આમળ્યો હતો. વોઈસ ઓફ ડેએ પ્રજાનો અવાજ બનીને ઉઠાવેલી આ ઝુંબેશ હવે રંગ લાવી છે અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ આ દિશામાં સક્રિય થયા છે. તાજેતરમાં બિલ્ડરો સાથેની બેઠકમાં મહાપાલિકાના અધિકારીઓએ આ પ્રશ્ન ઉઠાવીને પાર્કિંગની મનાઈ ન કરવા તાકીદ કરી હતી સાથોસાથ જરુરુ પડ્યે નવી પાર્કિંગ પોલીસી ઘડવાની તૈયારી પણ દર્શાવી હતી. કોમ્પ્લેક્સમાં ગેસ્ટ પાર્કિંગની મનાઈનો ગેરકાયદે નિયમ દુર કરવાની તૈયારી પણ કરવામાં આવી છે.
વોઈસ ઓફ ડેએ પ્રજાનો અવાજ બનીને ઉઠાવેલી આ સમસ્યા બદલ અનેક લોકોએ રૂબરૂ અને ટેલીફોન ઉપર પ્રજાનો અવાજ બનવા બદલ અભિનંદન આપ્યા હતા.
