બોગસ બીલિંગ,આઈ.ટી.સી.કૌભાંડ પકડાયા છતાંય GSTની આવક વધી: નવેમ્બરમાં 12,192 કરોડની ટેક્સની આવક
સરકારનો કમાઉ દીકરો બનતો જીએસટી વિભાગ: વર્ષ 2023 કરતા 2024માં 12% નો વધારો,જો કે રિફંડ ચૂકવવામાં ઘટાડો
બોગસ બીલિંગ,ટેક્સચોરી બાદ પણ જીએસટીની આ વખતે સરકારની તિજોરી છલકાય છે. નવેમ્બર મહિનામાં 12,192 કરોડની આવક નોંધાતા ગયા વર્ષની સરખામણીએ 12% નો વધારો ટેક્સની આવકમાં નોંધાયો છે.
જીએસટીની આવકમાં દર મહિને વધારો નોંધાય છે, સેન્ટ્રલ જીએસટીમાં 34,141 અને ગુજરાત જીએસટી ની આવકમાં 43,047,આઈજીએસટીની 50,093 અને સેસની આવક 12,398 મળીને કુલ 1,39,679 કરોડની આવક થઈ છે.
ગત વર્ષે નવેમ્બર મહિનામાં આ આવક 1,27,695 હતી. જીએસટી ડિપાર્ટમેન્ટએ રાજકોટ,અમદાવાદ, સુરત,વડોદરા ભાવનગર સહિત ગુજરાતમાં અનેક જગ્યાએ બોગસ બીલીંગ સાથે ઇનપુટ ક્રેડિટ મેળવવાના કૌભાંડ પકડ્યા હતા જેનો આંકડો દસ કરોડને પાર થઈ ચૂક્યો છે.
જીએસટી વિભાગની ઇન્ફોર્સમેન્ટ ટીમએ પણ દિવાળી પહેલા અને દિવાળી પછી તબક્કાવાર સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યા હતા જેમાં ભાવનગરમાં જ જીએસટી ચોરીનું કૌભાંડ 4000 કરોડ ને પાર થઈ ચૂક્યું હતું. અત્રે નોંધનીય છે કે,ગુજસીટોક કાયદા અંતર્ગતનો ગુનો ગુજરાતમાં પ્રથમ વાર થયો હતો.
ગુજરાતમાં દર વર્ષે જીએસટીની આવકમાં વધારો થઈ રહ્યો છે, જેની સામે રિફંડ ચૂકવવાની રકમમાં ઘટાડો નોંધાયો છે. નવેમ્બર 2024 માંથી સીજીએસટી દ્વારા 2,326 કરોડ, એસ જીએસટી દ્વારા 2238 કરોડનું રિફંડ ચૂકવવામાં આવ્યું છે.