રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ-ઈમિગ્રેશનને ગ્રીન સિગ્નલ: વેકેશનથી વિદેશની ફ્લાઈટ થશે ટેકઓફ
કાલે નવા ટર્મિનલના ઉદ્ઘાટન પૂર્વે જ કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે અત્યંત મહત્ત્વના એવા બન્ને વિભાગને આપી મંજૂરી
રાજકોટને મળશે આખી કસ્ટમ વિંગ: ઉચ્ચ અધિકારીઓ સાથે યુનિટ કાર્યરત કરાશે
રાજકોટ એરપોર્ટ ઉપર ઈન્ટરનેશનલ ફ્લાઈટની ઉડાન માટે મહત્ત્વપૂર્ણ કસ્ટમ અને ઈમિગ્રેશનની મંજૂરીની રાહ જોવાઈ રહી હતી જે આખરે મળી જતાં એપ્રિલ-મે મહિનાથી રાજકોટથી વિદેશ પ્રવાસ માટે પેસેન્જર જઈ શકશે. આવતીકાલે હિરાસર એરપોર્ટના નવા અદ્યતન અને સુવિધાઓથી સજ્જ ૩૨૬ કરોડના ખર્ચે બનાવાયેલું નવા ટર્મિનલનું દીપ પ્રાગટ્ય સાથે ઉદ્ઘાટન થાય તે પૂર્વે એરપોર્ટ અત્યંત મહત્ત્વના ગણાતાં એવા કસ્ટમ અને ઈમિગ્રેશન વિભાગને મંજૂરીની મ્હોર કેન્દ્ર સરકાર દ્વારા તાબડતોબ લગાવાતાં ઓથોરિટીએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

કોઈ પણ ઈન્ટરનેશનલ એરપોર્ટ હોય ત્યાં વિદેશની ફ્લાઈટ શરૂ કરવા માટે કસ્ટમ અને ઈમિગ્રેશન વિભાગની મંજૂરી અત્યંત આવશ્યક છે કેમ કે રાજકોટથી વિદેશ સુધી કોઈ વસ્તુ કે કિંમતી ઝવેરાત મોકલવાની હોય તો તેના માટે કસ્ટમ વિભાગની મંજૂરી જરૂરી બની જાય છે. આ જ રીતે વિદેશથી કોઈ વસ્તુ રાજકોટ એરપોર્ટ ઉપર આવે એટલે તેના ચેકિંગ સહિતની કાર્યવાહી કસ્ટમ વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે. આ જ રીતે ઈમિગ્રેશન વિભાગ કે જે પાસપોર્ટ અને વિઝા સંબંધિત કાર્યવાહી કરે છે તેની મંજૂરી પણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે આવશ્યક બની જાય છે.
રાજકોટમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ નિર્માણ પામ્યા બાદ આ બન્ને વિભાગની મંજૂરી કેન્દ્ર સરકાર તરફથી મળી જાય તે માટે ઓથોરિટી દ્વારા અનેક પ્રયાસ કર્યા હતા અને આખરે નવચંડી યજ્ઞ બાદ મા જગદંબાના આશીર્વાદ સાથે સરકારે નવા ટર્મિનલના ઉદ્ઘાટનના ગણતરીના કલાકો પહેલાં જ કસ્ટમની એક અલગ જ વિંગને જ બનાવવા માટેનો નિર્ણય લેતાં હવેથી રાજકોટ એરપોર્ટ કસ્ટમ નોટિફાઈડ એરપોર્ટ તરીકે ઓળખાશે.
કસ્ટમના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સેક્શન-૭માં સમાવિષ્ટ કર્યા બાદ હવે સેન્ટ્રલ બોર્ડ ઑફ ઈનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ (સીબીઆઈસી) દ્વારા રાજકોટમાં નવું જ કસ્ટમ યુનિટ, નવા સ્ટાફ સાથે તૈનાત થશે. સેક્શન-૭માંથી સેક્શન-૮માં લેવામાં આવતાં સત્તાવાર રીતે હવે કસ્ટમ માન્ય એરપોર્ટ તરીકે ઓળખાશે.
ઈમ્પોર્ટ-એક્સપોર્ટ થતાં માલને લોડિંગ-અનલોડિંગ માટે મંજૂરી મળતાં ટૂંક સમયમાં કાર્ગો ફ્લાઈટ ઉડાન ભરશે: એરપોર્ટ ડાયરેક્ટર
એરપોર્ટ ડાયરેક્ટરે જણાવ્યું હતું કે રાજકોટ એરપોર્ટ પરથી હવે વિદેશી પેસેન્જર ફ્લાઈટની સાથે કાર્ગો ફ્લાઈટ પણ ઉડાન ભરી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નવું એરપોર્ટ ખુલ્લું મુકાયા બાદ હવે અદ્યતન સુવિધા સાથે આવતીકાલે નવું ટર્મિનલ ખુલ્લું મુકાશે. આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ જેની શરૂઆત કાર્ગો ફ્લાઈટ સાથે થઈ શકે છે જે બાબતે એરપોર્ટ ડાયરેક્ટરે જણાવ્યું કે સેન્ટ્રલ કસ્ટમ વિભાગ દ્વારા ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ થતાં ગુડસ લોડિંગ અને અનલોડિંગ માટે મંજૂરી આપવામાં આવી છે જેના કારણે રાજકોટથી આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય કાર્ગો ફ્લાઈટ ઓપરેટ કરવાનો માર્ગ ખુલ્યો છે.
ફ્લાઈટ ફ્રિકવન્સી મળશે તો જ આ બધું કામનું: ઉદ્યોગકારો
રાજકોટના ઉદ્યોગપતિઓએ કસ્ટમ ડિપાર્ટમેન્ટના આ નિર્ણયને આવકાર્યો છે તો સાથે સાથે ફ્લાઈટ કનેક્ટિવિટી વધારવા માટે પણ સરકાર પાસે આશા રાખી છે. વિવિધ વેપારી પ્રતિનિધિમંડળના સભ્યોએ વાત કરતાં કહ્યું હતું કે હાલમાં રાજકોટમાંથી મુંબઈ-દિલ્હી-ગોવા-બેંગ્લોરની ફ્લાઈટ ઉડાન ભરે છે જ્યારે ઈન્ડસ્ટ્રીઝને સેમ્પલ મોકલવાના હોય છે તો ટ્રાન્સપોર્ટેશનના માધ્યમથી મોકલવા પડે છે કારણ કે રાજકોટને ફ્લાઈટ ફ્રિકવન્સી મળી ન હોવાથી બસ અથવા ટ્રક મારફતે પાર્ટસ સહિતની વસ્તુ મોકલવી પડે છે. જ્યારે ઈન્ટરનેશનલ એરપોર્ટ શરૂ તો થઈ જશે પરંતુ જ્યાં સુધી અન્ય દેશ સાથે વધુ ફ્લાઈટની સુવિધા નહીં મળે તો ઈમ્પોર્ટ-એક્સપોર્ટ માટે ઉદ્યોગકારોને એટલો ફાયદો પણ નહીં મળે.