શરમજનક: એસ.ટી.બસપોર્ટમાં બાળકીઓ પાસેથી યુરિનલ માટે ચાર્જ વસૂલાયો !
એનસીસીની પાંચ વિદ્યાર્થિની સહિત અન્ય મહિલાઓ પાસેથી યુરિનલ સંચાલકે પાંચથી દસ રૂપિયા પડાવ્યા છતાં ડેપો મેનેજર કુંભકર્ણની નિદ્રામાં
ફરિયાદ કરાઈ તો ડેપો મેનેજરે કહ્યું, અરજી આપો
કાયમ માટે વિવાદમાં જ રહેવા પંકાઈ ગયેલા રાજકોટના એસ.ટી. બસ પોર્ટમાં એક શરમજનક ઘટના બનવા પામી હતી. બસ પોર્ટમાં એનસીસીની પાંચ વિદ્યાર્થિની ઉપરાંત અન્ય મહિલાઓ જ્યારે યુરિનલનો ઉપયોગ કરવા માટે ગયા તો તેમની પાસેથી સંચાલક દ્વારા પાંચથી દસ રૂપિયા ચાર્જ વસૂલ્યો હોવાની વિગતો સામે આવી છે.
આ અંગે મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું કે બસ પોર્ટમાં બપોરે એક વાગ્યે મોટા ભાગે બંધ જ રહેતી પોલીસ ચોકીની બાજુમાં જ ડેપો મેનેજર ઘનશ્યામ હરિભાઈ ચગ બેઠા હતા અને તેમની ઓફિસની નીચેના ભાગે આવેલા શૌચાલયમાં બેફામ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હતો. દેશ સેવા માટે નીકળેલી એનસીસીની બાળાઓ કે જે પોતાના ડે્રસમાં સજ્જ હતી અને તેમણે યુરિનલનો ઉપયોગ કર્યો તો તેમની પાસેથી પાંચથી લઈ દસ રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.
આ અંગે ડેપો મેનેજરને ફરિયાદ કરવા જતાં તેમણે લેખિત અરજીનો આગ્રહ રાખ્યો હતો. હિતરક્ષક સમિતિએ જણાવ્યું કે આ પ્રકારે અગાઉ અનેક વખત અરજી કરાઈ છે જેનો કોઈ જ જવાબ મળ્યો નથી. અહીં કોઈ પ્રકારના મોટા બોર્ડ પણ ન લગાવીને રીતસરનો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. ડેપો મેનેજરે બાળકીઓને પૈસા પરત અપાવવાને બદલે માત્ર અરજીના જ બણગા ફૂંક્યે રાખ્યા હતા. સમિતિએ તો એવો પ્રશ્ન પણ ઉઠાવ્યો કે શું યુરિનલમાં ચાલતાં લાખોના ભ્રષ્ટાચારમાં ડેપો મેનેજરની પણ ભાગીદારી હશે ?