ખોડિયાર નગરમાં ગેસ ગળતર: 2 બાળકો સહિત 10 ના શ્વાસ રૂંધાયા
ગેરકાયદેસર ધમધમતા કારખાનાથી સ્થાનિકો પરેશાન: થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
રાજકોટના ખોડિયાર નગર વિસ્તારમાં ગેસ ગળતરના કારણે 2 બાળકો સહિત 10 લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. જેના કારણે તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. રહેણાક વિસ્તારમાં કારખાનાના સામે લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. ચાંદી-ધાતુ ગાળવાની ફેક્ટરી હોવાનું જાણવા મળે છે. અનેક વખત રજુઆત છતાં પગલાં ન લેવાયાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ થઈ છે. કારખાનાના માલિકે કારખાનું ખસેડવાની બાંહેધરી આપી હતી.
આ વિસ્તારમાં રહેતા દેવુબેન ભરતભાઇ ચૌહાણ (ઉ.વ.49), કલુબેન નાથાભાઈ ચૌહાણ(ઉ.વ.72), મેઘાબેન, જ્યોતિબેન, શારદાબેન, નીમાબેન, બે બાળકો ઉમેશ અને જયુને અસર થતા તત્કાલ 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તમામને પ્રાથમિક સારવાર અપાઈ હતી. આક્ષેપ મુજબ વસંત એન્ટરપ્રાઇઝ નામનું કારખાનું છે. અગાઉ તેના સંચાલક ઉમેશ પરમારને આ તકલીફ અંગે જાણ કરાઈ હતી. ચીમની નાખી દેશું તેમ કહી ત્રણ મહિનાથી કોઈ વ્યવસ્થા કરી નહોતી.કોઈ લાયસન્સ ન હોવાનું પણ જાણવા મળે છે. સંબંધિત તંત્રએ તપાસ હાથ ધરી છે.
રાજકોટના થોરાળા વિસ્તારમાં અનેક ગેરકાયદેસર કારખાનાઓ અને નાની ફેક્ટરીઓ ધમધમી રહી છે. આ યુનિટોમાં ગેરકાયદેસર અને હાનિકારક કેમિકલનો સરેઆમ અને બેફામ ઉપયોગ થતો જોવા મળે છે. આ કેમિકલના ઉપયોગ બાદ ઝેરી ગેસ અને વેસ્ટ કેમિકલ વાતાવરણ તેમજ પાણીમાં કોઈપણ પ્રકારની પ્રોસેસ કર્યા વિના છોડી દેવામાં આવે છે. જેનાથી વારંવાર સ્થાનિકોમાં આરોગ્ય સમસ્યાઓ સર્જાય છે. આવી જ એક ઘટના ગઈકાલે મોડી રાત્રે બની હતી. થોરાળા વિસ્તારના વસંત નામના કારખાનામાં મુર્તિઓ અને ઘરેણાં બને છે. આ કારખાનામાંથી અવારનવાર ઝેરી ગેસ હવામાં છોડાય છે અને ઝેરી એસિડયુક્ત પાણી પણ છોડવામાં આવે છે. ગઈકાલ રાત્રે પરિસ્થિતિ વણસી ગઈ હતી. સ્થાનિકોને ઝેરી ગેસ ગળતરને પરિણામે અનેક આરોગ્ય સમસ્યાઓનો ભોગ બનવું પડ્યું હતું. અનેક સ્થાનિકોને આંખો બળવી, ઉલ્ટી થવી તેમજ શ્વાસ લેવામાં તકલીફો જેવી સમસ્યાઓ થઈ હતી. અસરગ્રસ્તોને સારવાર અર્થે 108માં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ થઈ છે. કારખાનાના માલિકે કારખાનું ખસેડવાની બાંહેધરી આપી છે.