લસણના ભાવ આસમાને, 100 રૂપિયાનું 250 ગ્રામ
વાવેતરની સીઝન આવતા માર્કેટિંગ યાર્ડમાં લસણના ભાવમાં તેજી : મણના 4000થી 6000 સુધીના ભાવ
ડુંગળી અને બટાટાના ભાવમાં એકધારી તેજી બાદ છૂટક બજારમાં લસણના ભાવમાં જોરદાર તેજી આવતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે, સામાન્ય દિવસોમાં 100થી 150 રૂપિયામાં એક કિલો આવતું લસણ હાલમાં 100 રૂપિયામાં માંડ 250 ગ્રામ આવી રહ્યું હોવાથી શિયાળાની મોસમમાં ઓળો, ભરેલા રીંગણ સહિતના સ્વાદમાં લસણની તીખાશ વધુ તીવ્ર જોવા મળી રહી છે, બીજી તરફ માર્કેટમાં લીલા લસણના ભાવ પણ સિસકારા નખાવી દે તેવા હોય હવે ગૃહિણીઓ 50-100 ગ્રામ લસણ લઈ રસ્તો રોળવી રહી છે.
ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મોટાભાગના શાકમાં લસણનો વઘાર થતો હોય અમીર-ગરીબ તમામ પરિવારમાં લસણની કાયમી ખપત હોય છે, જો કે, દિવાળી બાદ શિયાળુ પાકના વાવેતરની સીઝન આવતા જ છેલ્લા એક મહિનાથી બજારમાં લસણના ભાવ આસમાને પહોંચી ગયા હોવાની ગૃહિણીઓમાં ફરિયાદ ઉઠી છે, હાલમાં કિરાણા સ્ટોર અને શાકમાર્કેટમાં લસણ 100 ગ્રામ લસણ 40થી 50 રૂપિયા કે તેથી વધુ ભાવે વેચાઈ રહ્યું છે. એ જ રીતે શાકમાર્કેટમાં લીલું લસણ પણ રૂપિયા 30થી 50ના ભાવે 100 ગ્રામ મળી રહ્યું હોય ગૃહિણીઓએ જરૂરત મુજબ જ ખરીદી કરી ખપ પૂરતો ઉપયોગ કરી રહી છે.
લસણના ભાવમાં ઉછાળા પાછળનું મુખ્ય કારણ લસણનું વાવેતર હોવાનું યાર્ડના સૂત્રો જણાવી રહ્યા છે. હાલમાં કપાસ અને મગફળીનો પાક કાઢી ખેડૂતો શિયાળુ સીઝનમાં લસણનું વાવેતર કરવા માટે લસણ ખરીદતા હોય યાર્ડમાં પણ લસણના ભાવમાં એકધારી તેજી જોવા મળી રહી છે. લાભ પંચમીએ માર્કેટિંગ યાર્ડ ખુલ્યા બાદ લસણ પ્રતિ મણના ભાવ 4000થી લઈ 6000 સુધીના એકધારા જળવાઈ રહેલા જોવા મળી રહયા છે. ગઈકાલે રાજકોટ યાર્ડમાં લસણ પ્રતિ મણ 4001થી લઈ 5850ના ભાવે વેચાયું હતું.