કાલથી રાજકોટ રંગાશે દિવાળી ઉત્સવ’ના રંગમાં
ચાર દિવસ સુધી આખો રિંગરોડ લાઈટિંગથી ઝળહળશે, આકર્ષક એન્ટ્રી ગેઈટ ઉભો કરાશે: બુધવારે એક કલાક સુધી ફટાકડાની ભવ્ય આતશબાજી
બે દિવસ સુધી થશે રંગોળી સ્પર્ધા: ચારેય દિવસ બહુમાળી ભવન ચોકમાં શાનદાર લેસર-શો
દિવાળી આડે હવે પાંચ દિવસ બાકી રહ્યા છે ત્યારે આ પર્વની શાનદાર-જાનદાર ઉજવણી કરવા માટે આખું રાજકોટ સજ્જ બની ગયું છે. દર વર્ષની જેમ આ વર્ષે મહાપાલિકા દ્વારા પણ
દિવાળી ઉત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે જેનો આવતીકાલથી પ્રારંભ થશે.
કાલથી લઈ ૩૧ ઑક્ટોબર સુધી એક-એકથી ચડિયાતા કાર્યક્રમો આ ઉત્સવ અંતર્ગત ઉજવવામાં આવશે.
આ અંગે ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, દંડક મનિષ રાડિયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું કે આવતીકાલથી દિવાળી ઉત્સવનો પ્રારંભ થશે જેમાં કાલે સાંજે ૫:૩૦ વાગ્યે કિસાનપરા ચોકમાં આવેલા મહાપાલિકા પ્લોટમાં આયોજિત કાર્યક્રમને સાંસદ પરસોત્તમ રૂપાલા ખુલ્લો મુકશે. કાલથી રેસકોર્સ રિંગરોડ ફરતે આકર્ષક એન્ટ્રી ગેઈટ, આકર્ષક થીમ બેઈઝ લાઈટિંગ ડેકોરેશન કરવામાં આવ્યું છે.
તા.૨૯એ રિંગરોડ ફરતે રંગોળી સ્પર્ધા યોજાશે. સ્પર્ધકો દ્વારા તૈયાર કરવામાં આવેલી રંગોળી તા.૩૦ અને ૩૧ એમ બે દિવસ સુધી સાંજે નિહાળી શકાશે. આવતીકાલથી ૩૧ ઑક્ટોબર સુધી બહુમાળી ચોકમાં ભવ્યાતિભવ્ય લેસર-શો યોજાશે તો તા.૩૦ને ધનસેરતે સાંજે ૭ વાગ્યે રેસકોર્સ ક્રિકેટ સ્ટેડિયમ પર આતશબાજી થશે.