આવાસ લઈ લ્યો…આવાસ લઈ લ્યો: ઈસ્કોન મંદિર પાછળ ૧૩૯ ફ્લેટ માટે ફરી ફોર્મ વિતરણ કરાશે
વારંવાર ફોર્મ વિતરણ કરાયા છતાં કોઈ રસ ન દાખવતું હોય ફરી એકવાર કરાશે પ્રયોગ': આઈસીઆઈસીઆઈ બેન્કની છ શાખા પરથી ૨૭થી ૩૦ દરમિયાન ફોર્મ મેળવી શકાશે
મહાપાલિકા દ્વારા કાલાવડ રોડ પર ઈસ્કોન મંદિર પાછળ (મુંજકા) બનાવવામાં આવેલી મીડલ ઈનકમ ગ્રુપ (એમઆઈજી) કેટેગરીની આવાસ યોજનાના ફ્લેટ કે જેની કિંમત ૧૮ લાખ રૂપિયા છે તેના માટે અનેક વખત ફોર્મ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આમ છતાં ફ્લેટનું કોઈ લેવાલ ન થતાં ફરી ફોર્મ વિતરણનો
પ્રયોગ’ કરવામાં આવ્યો છે.
`રૂડા’ દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના (એમએમજીવાય) હેઠલ નિર્માણાધિન એમઆઈજી પ્રકારના આવાસ પૈકી ખાલી પડેલા ૧૩૯ આવાસની ફાળવણી બાકી છે તે ખાલી આવાસ ફાળવવા માટે અરજદારો તા.૨૭થી ૩૦ નવેમ્બર સુધીમાં અરજી ફોર્મ મેળવીને જમા કરાવી શકશે.
આ આવાસ યોજનાનો લાભ એવા અરજદારોને જ મળશે જેમના કુટુંબિની વાર્ષિક આવક ૬ લાખથી ૭.૫૦ લાખ સુધી હોય અને આખા ભારતમાં પોતાના ઘરનું ઘર ધરાવતા ન હોય. આવા અરજદારો આઈસીઆઈસીઆઈ બેન્કની છ શાખામાંથી ૧૦૦ રૂપિયાની ફોર્મ (નોન-રિફંડેબલ) ફી ચૂકવી ફોર્મ લઈ શકશે. ફોર્મ ભરીને તા.૫-૧૨-૨૦૨૩ સુધીમાં ૨૦ હજારની ડિપોઝીટ (રિફંડેફલ) ભરવાની રહેશે. આવાસમાં ત્રણ રૂમ, એક હોલ, રસોડું, ટોયલેટ-બાથરૂમની સુવિધા આપવામાં આવી છે જેનો કાર્પેટ એરિયા અંદાજે ૬૦ ચોરસમીટર છે અને તેની કિંમત ૧૮ લાખ રૂપિયા છે.
આટલા સ્થળેથી ફોર્મ મળશે
- ધરમ સીનેમા પાસે શારદા બાગ સામે
- આઈસક્યુબ હાઉસ, ૧૦-રણછોડનગર, પાણીના ઘોડા પાસે પેડક રોડ
- નિર્મલા રોડ, નાગરિક બેન્ક સોસાયટી, સુપાર્શ્વ એપાર્ટમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર
- ગોંડલ રોડ, યુનિયન બેન્ક સામે, વિત્ત ભવન
- ૧૫૦ ફૂટ રિંગરોડ પર આંબેડકર ચોક પાસે, કૃતિ ઓનેલા ગ્રાઉન્ડ ફ્લોર
- ૧૫૦ ફૂટ રિંગરોડ, નાણાવટી ચોક