રાજકોટ લોકસભા બેઠક માટે એક જ દિવસમાં પોણા બસ્સો ફોર્મ ઉપડયા
ભાજપ, કોંગ્રેસના ઉમેદવાર અને ડમીની સાથે ક્ષત્રિય સમાજે મોટી સંખ્યામાં ફોર્મ મેળવ્યા
આગામી તા.7મી મે ના રોજ યોજાનાર લોકસભા ચૂંટણી અન્વયે આજથી જાહેરનામું અમલી બનવાની સાથે જ ઉમેદવારીપત્ર ભરવાની શરૂઆત થતા જ ભાજપ,કોંગ્રેસના ઉમેદવારો અને ડમી ઉમેદવારની સાથે સાથે ભાજપના ઉમેદવાર રૂપાલા સામે એલાને જંગ છેડનાર ક્ષત્રિય સમાજે 100થી વધુ ઉમેદવારીપત્ર મેળવતા શુક્રવારે એક જ દિવસમાં પોણા બસ્સો ઉમેદવારીપત્ર ચપોચપ ઉપડી ગયા હતા.
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 બેઠકો માટે આગામી તા.7મે ના રોજ યોજાનાર ચૂંટણી અન્વયે રાજકોટ લોકસભા બેઠક માટે આજે નામાંકન અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ થતા જ સવારથી જિલ્લા કલેકટર કચેરી ખાતે ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવારોએ ઉમેદવારીપત્ર મેળવવા લાંબી કતારો લગાવી હતી, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.મુછારે જણાવ્યું હતું કે, શુક્રવારે કુલ 63 વ્યક્તિઓએ કુલ મળી 175 ફોર્મ મેળવ્યા હતા. જો કે, શુક્રવારે એકપણ ફોર્મ પરત જમા થયું ન હતું. પ્રથમ દિવસે કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી, હેમાંગ વસાવડા, હિતેશ વોરાના નામે 4-4 ફોર્મ મળી કુલ 12 ફોર્મ લેવામાં આવ્યા હતા. જયારે બસપામાથી ચમનભાઈ સવસાણી, માધુભાઈ ગોહેલના નામે 3-3 ફોર્મ મળી કુલ 6 ફોર્મ ઉપડ્યા હતા.
જયારે ભાજપમાંથી પરસોતમ રૂપાલા અને મોહન કુંડારિયાના નામે 4-4 મળી 8 ફોર્મ ઉપાડ્યા હતા અને બહુજન મુક્તિ પાર્ટીમાંથી દેવેનભાઈ બેડલાએ 3 ફોર્મ ઉપાડ્યા હતા. આ ઉપરાંત મુકેશભાઈ કનુભાઈ ડાભી વોર્ડ નં.17 વાળા એ 4 ફોર્મ ઉપડ્યા હતા તેમજ રણજિતભાઈ મૂંધવાએ 1 ફોર્મ ઉપાડ્યું હતું અને બપોરના ત્રણ વાગ્યા સુધી ઉમેદવારીપત્ર મેળવવા માટે ઉમેદવારોએ લાઇન લગાવી હતી. બીજી તરફ આજે શનિવારે અને આવતીકાલે રવિવારની જાહેર રજાના કારણે શુક્રવારે વધુ ધસારો રહ્યો હતો.
ફોર્મ મફત પણ ડિપોઝીટ 25 હજાર
રાજકોટ લોકસભા બેઠક ઉપર ચૂંટણી લડવા મેદાને ઉતરેલા ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિષે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને પગલે રોષે ભરાયેલા ક્ષત્રિય સમાજે મોટી સંખ્યામાં ક્ષત્રિય યુવાનો અને મહિલાઓને ઉમેદવારીપત્ર ભરવાની જાહેરાત કરી છે તે મુજબ શુક્રવારે પ્રથમ દિવસે જ ક્ષત્રિય સમાજના મહિલાઓ દ્વારા 100 ઉમેદવારીપત્રક ઉપાડવામાં આવ્યા હતા. જો કે ઉમેદવારીપત્ર વિનામૂલ્યે મળે છે પરંતુ ચૂંટણી લડતા ઉમેદવાર માટે 25 હજાર ડિપોઝીટ રાખવામાં આવી હોય ફોર્મ ઉપાડનાર તમામ લોકો ઉમેદવારીપત્ર ભરશે કે કેમ તે આવનાર સમય જ બતાવશે
ક્ષત્રિય સમાજના મહિલાઓએ 100 ફોર્મ મેળવ્યા
શુક્રવારે લોકસભા ચૂંટણી માટે નામાંકનના પ્રથમ દિવસે રાજકોટ ક્ષત્રિય સમાજના બહેનોએ 100 જેટલા ઉમેદવારીપત્ર ઉપાડ્યા હતા. ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રવિન્દ્ર જાડેજાના બહેન નૈનાબાએ જણાવ્યું હતું કે, ક્ષત્રીય સમાજના 25 જેટલા આગેવાનોના નામે 100 ફોર્મ ઉપાડ્યા છે અને હજુ ફોર્મ ઉપાડવાનું અનુકૂળતાએ ચાલુ જ રાખવામાં આવશે.