ટ્રાફિક સમસ્યા ઘટાડવા ત્રણ સ્થળે ફૂટ ઓવરબ્રિજ બનશે
લોકોને રસ્તો ઓળંગવામાં સરળતા રહેશે અને વારંવાર અકસ્માત નહીં થાય…
ત્રિકોણ બાગ, કાલાવડ રોડ પર આત્મીય યુનિવર્સિટી પાસે અને ગોંડલ રોડ પર ક્રિષ્ના પાર્ક હોટેલ પાસે ફૂટ ૧૦.૬ કરોડના ખર્ચે ફૂટ ઓવરબ્રિજ બનાવવા નિર્ણય
રાજકોટમાં માથું ફાડી નાખે તેવી ટ્રાફિક સમસ્યા ‘ઘર’ કરી ગઈ છે ત્યારે સૌથી વધુ જામ જ્યાં રહે છે ત્યાં સ્કાય વોક-ફૂટ ઓવરબ્રિજ બનાવવા માટે સ્ટેન્ડિંગ કમિટીએ બજેટમાં યોજના સામેલ કરી હતી. લોકો સરળતાથી રસ્તો ઓળંગી શકે તે માટે જાહેર સ્થળો પૈકી ત્રિકોણબાગ વિસ્તાર પાસે, કાલાવડ રોડ-આત્મીય યુનિવર્સિટી પાસે, ક્રિષ્ના પાર્ક હોટેલ-ગોંડલ રોડ ચોકડી સહિતના સ્થળે ૧૦.૬ કરોડના ખર્ચે ત્રણ ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે.

જ્યુબિલી-કનક રોડ શાક માર્કેટનું કરાશે નવિનીકરણ: ત્રણ નવી માર્કેટ બનશે
સ્ટેન્ડિંગ કમિટી દ્વારા શહેરની વધતી જતી વસતી અને વિસ્તારને ધ્યાનમાં રાખી સેન્ટ્રલ ઝોનમાં રેલનગર, વેસ્ટ ઝોનમાં લક્ષ્મીનગર અને ઈસ્ટ ઝોનમાં વોર્ડ નં.૪માં સેટેલાઈટ ચોક પાસે ત્રણ કરોડના ખર્ચે નવી શાક માર્કેટ બનાવવાની જાહેરાત કરાઈ હતી. આ ઉપરાંત જ્યુબિલી તેમજ કનકનગર શાક માર્કેટનું ૬.૫૦ કરોડના ખર્ચે નવીનીકરણ કરવાનું એલાન કરાયું હતું. શહેરની વર્ષો જૂની શાક માર્કેટ એવી જ્યુબિલી અને કનકરોડ શાક માર્કેાટમાં પાર્કિંગ સુવિધા, ટ્રાફિક, એલિવેશન, વેન્ટીલેશન, મોડર્નાઈઝેશન સહિતની સુવિધાઓ આપવામાં આવશે.
ઑક્સિજન લેવા માટે અવધ રોડ સુધી લાં…બું થવું પડશે
બજેટમાં કાલાવડ રોડ પર અવધ રોડ પાસે આવેલા ટીપી પ્લોટમાં મોડર્ન એલિવેશન અને એસ્કેલેટર તેમજ રેસ્ટોરન્ટની સુવિધા સાથે `સ્કાય વોક’ તેમજ થીમ બેઈઝડ ઑક્સિજન પાર્ક બનાવવામાં આવશે જેથી શહેરીનોને નવી ફૂડ કોર્ટની નવી સુવિધા મળશે સાથે સાથે શહેરની સુંદરતામાં વધારો થશે. આ માટે ચાર કરોડનો ખર્ચ કરવામાં આવશે.