- સ્વાતંત્ર્ય પર્વ પર દિલ્હી,પંજાબમા આત્મઘાતી હુમલો થવાની ચેતવણી
- કઠુઆમાં બે સંદિગ્ધ શખ્સો દેખાયા બાદ હાઇ એલર્ટ
15 મી ઓગસ્ટ અને તેની આસપાસના દિવસોમાં દિલ્હી અને પંજાબમાં મોટો આત્મઘાતી હુમલો થવાની ચેતવણી આપવામાં આવી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર મોટી માત્રામાં હથિયારો સાથે કઠુઆમાં બે અજાણ્યા શખ્સોની હિલચલ અંગે માહિતી મળ્યા બાદ જાસુસી સંસ્થા દ્વારા હાઈ એલર્ટ આપવામાં આવ્યું હતું.આ બે શખસો પઠાણકોટ તરફ આગળ વધ્યા હોવાની સંભાવના પણ ઇન્ટેલિજન્સ રિપોર્ટમાં દર્શાવવામાં આવી હોવાનું વિશ્વાસપાત્ર સૂત્રોએ જણાવ્યું હતું.
સુરક્ષા તંત્રો આ ચેતવણીને ખૂબ ગંભીરતાથી લઇ રહ્યા છે.એવું માનવામાં આવે છે કે વિસ્ફોટકો અને આઈઇડી નો મોટો જથ્થો તા.1 જૂનના રોજ જમમું શહેરમાં ઉતારવામાં આવ્યો હતો અને તેનો ઉપયોગ પોલીસ અને મીલીટરીના થાણાઓ,વાહનો, મોટા નેતાઓ અને અગત્યના અન્ય સ્થળોને નિશાન બનાવવા માટે થઈ શકે છે.
ઇન્ટેલિજન્સ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર છેલ્લા બે મહિના દરમિયાન જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાઓ પાકિસ્તાન પ્રેરિત આતંકી જૂથોની સક્રિયતા નિર્દિષ્ટ કરે છે.15 મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય પર્વને લઈને અતિ ચુસ્ત બંદોબસ્ત ને કારણે કદાચ એ દિવસે હુમલા ન થાય તો તેની આસપાસના દિવસોમાં લોકો મોટી સંખ્યામાં એકત્ર થતા હોય એવા સ્થળો નિશાન બની શકે છે એવી સંભાવના દર્શાવવામાં આવી છે.
પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી જૂથો, પંજાબમાં કાર્યરત માફિયા ગેંગો અને કટ્ટરવાદીઓ સ્વાતંત્ર્ય પર્વ ને લોહિયાળ બનાવવા કારસો રચી રહ્યા હોવાની ચેતવણી ને પગલે દિલ્હી અને પંજાબમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે.અત્રે નોંધનીય છે કે આ અગાઉના ઇન્ટેલિજન્સ રિપોર્ટમાં રાજધાની દિલ્હીમાં 15 મી ઓગસ્ટે આતંકી હુમલો થવાની ચેતવણી આપવામાં આવી હતી જેમાં લાલ કિલ્લા ઉપરાંત રાષ્ટ્રપતિ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં યોજવામાં આવતો ‘ એટ હોમ રિસેપ્શન ‘ કાર્યક્રમ પણ આતંકીઓના નિશાના પર હોવાની શક્યતા દર્શાવવામાં આવી હતી.