કલેકટર કોન્ફરન્સમાં આદેશને પગલે ઝુંબેશરૂપે કામગીરી કરવામાં આવશે : જિલ્લા કલેકટર પ્રભવ જોશી
ધાર્મિક દબાણો હટાવવા તમામ કલેક્ટરને આદેશ
રાજકોટ : રાજકોટ સહીત રાજ્યભરમાં ધાર્મિક દબાણો હટાવવા મામલે ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ સરકાર સફાળી જાગી છે અને ગુરુવારે મળેલી કલેકટર કોન્ફરન્સમાં પણ ધાર્મિક દબાણ તેમજ સરકારી જમીનો ઉપરના દબાણનો મુદ્દો કેન્દ્રસ્થાને રહ્યો હોવાનું જણાવી રાજકોટ જિલ્લા કલેકટરે આગામી સમયમાં સમગ્ર જિલ્લામાં ધાર્મિક દબાણો હટાવવા મામલે ઝુંબેશરૂપે કામગીરી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
સુપ્રીમકોર્ટના આદેશ મુજબ દેશભરમાં જાહેર માર્ગો અને રોડ રસ્તા ઉપર આવેલા ગેરકાયદેસર ધાર્મિક દબાણો હટાવવા મામલે તમામ હાઇકોર્ટને દિશાનિર્દેશો આપવામાં આવ્યા બાદ ગુજરાત હાઇકોર્ટે ધાર્મિક દબાણ હટાવવા મામલે રાજ્યમાં ક્યાં કેટલી કાર્યવાહી કરવામાં આવી તેનો રિપોર્ટ માંગતા ગુરુવારે મળેલી કલેકટર કોન્ફરન્સમાં સરકારી જમીન ઉપરના દબાણો તેમજ ધાર્મિક દબાણોનો મુદ્દો કેન્દ્ર સ્થાને રહ્યો હોવાનું જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું.સાથે જ આજે મળનારી રેવન્યુ ઓફિસરોની બેઠકમાં પણ તમામ પ્રાંત અધિકારી અને મામલતદારોને ધાર્મિક દબાણો તેમજ સરકારી જમીન ઉપરના દબાણ મામલે સૂચના આપવામાં આવનાર હોવાનું તેઓએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં 31-05-2024ની સ્થિતિએ કુલ 2184 દબાણો હોવાનું જેમાં સૌથી વધુ જિલ્લાન પંચાયત હસ્તકના 838 કિસ્સાઓમાં દબાણો ઓળખી કાઢવામાં આવ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે સાથે જ રાજકોટ જિલ્લામાં રાષ્ટ્રીય ધોરી માર્ગો ઉપર 10 તેમજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા 303 દબાણો ઓળખી કાઢવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું, બીજી તરફ રાજકોટ જિલ્લામાં 81 દબાણો દૂર કરવામાં આવ્યા બાદ ફરી પાછા 35 દબાણો ઉભા થઇ ગયા હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું ત્યારે જિલ્લા કલેકટરે આગામી સમયમાં ઝુંબેશરૂપે કામગીરી શરૂ કરી તમામ ધાર્મિક દબાણો હટાવવા કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.