રાજ્યમાં ધુમ્મસનું સામ્રાજ્ય, ઠંડીમાં રાહત
નલિયામાં 7.9 અને રાજકોટમાં 12.4 ડિગ્રી
રાજકોટ : રાજકોટ સહિત રાજ્યભરમાં શીતલહેરમાં બ્રેક સ્થિતિ વચ્ચે ભેજ વધતા સમગ્ર રાજ્યમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. ધુમ્મસને કારણે સવારે વીઝીબીલીટી પણ ઘટી જવા પામી હતી. સોમવારે રાજ્યમાં નલિયા 7.9 ડિગ્રી સાથે સૌથી ઠંડુ સેન્ટર રહ્યું હતું તો રાજકોટમાં તાપમાનનો પારો 12.4 ડિગ્રી રહ્યો હતો. રાજકોટમાં ભેજનું પ્રમાણ સવારે 87 ટકા રહ્યું હતું.
હવામાન વિભાગે આગામી તા.26થી 28 દરમિયાન સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરી છે ત્યારે છેલ્લા બે દિવસથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાની સાથે વાદળો છવાતા સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું છે. સોમવારે અમદાવાદ 17.8, અમરેલી 14.2, વડોદરા 19.8, ભાવનગર 18.8,ભુજ 11.2,ડીસા 16.3, દ્વારકા 16.0, ગાંધીનગર 17.1, જામનગર 13.1, નલિયા 7.9,ઓખા 19.0, પોરબંદર 12.8, રાજકોટ 12.4, સુરત 20.2 અને વેરાવળમાં 16.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.જો કે, દિવસભર વાદળછાયા વાતાવરણને કારણે રાજકોટમાં મહત્તમ તાપમાન 27.5 ડિગ્રી રહ્યું હતું અને ભેજનું પ્રમાણ 87 ટકા રહ્યું હતું. સોમવારે ડાંગ અને જામનગરમાં 100 ટકા ભેજ નોંધાયો હતો.