રાજકોટમાં મચ્છરોને મારશે માછલી !
મચ્છરોના ઉપદ્રવને કારણે રોગચાળો વધી રહ્યો હોય ૩૩૪ ઘર-ઓફિસમાં ગપ્પી માછલીનું વિતરણ જે દરરોજ ૧૫૦ મચ્છરને ખાઈ જશે
રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળો માથું ઉંચકી રહ્યો છે. પાછલા સપ્તાહે ડેંગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયાના કેસ મળતાં જ મહાપાલિકાની આરોગ્ય શાખા હરકતમાં આવી ગઈ છે. મચ્છરોના બેફામ ઉપદ્રવને અટકાવવા માટે તંત્ર દ્વારા હવે ઘેર-ઘેર ગપ્પી માછલીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જે પૈકી એક માછલી રોજના ૧૫૦ મચ્છરને ખાઈ જશે !
આરોગ્ય શાખાના જણાવ્યા પ્રમાણે મચ્છર ચોખ્ખા પાણીમાં ઈંડા મુકે છે. ઈંડામાંથી પોરા, પ્યુપા અને અંતમાં પુખ્ત મચ્છર બને છે. મચ્છરની ઉત્પતિ અટકાવવા પોરાભક્ષક ગપ્પી માછલી જ એક ઉત્તમ ઉપાય છે. આ માછલી મચ્છરના પોરા ખાઈ જતી હોવાથી મચ્છર બનતા નથી. ખાસ વાત એ છે કે આ માછલી પર્યાવરણની દૃષ્ટિએ નુકસાનકારક નથી અને તેની પાછળ કોઈ મોટો ખર્ચ પણ થતો નથી. આ માછલી ચારથી પાંચ વર્ષ સુધી જીવે છે. દરમિયાન આરોગ્ય શાખા દ્વારા રૈયાધાર મફતીયુ, મંગલપાર્ક મેઈન રોડ, પટેલ પાર્ક શેરી નં.૧/૫, વીમલનગર, નાનામવા મેઈન રોડ, જાગનાથ પ્લોટ, બાબરિયા કોલોની, રણછોડનગર સહિતના વિસ્તારોમાં આવેલા ૩૩૪ ઘર તેમજ ઓફિસમાં ગપ્પી માછલીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ માછલી મહાપાલિકાની ત્રણેય ઝોનલ કચેરીથી વિનામૂલ્યે મેળવી શકાશે.